મણિપુરઃ મે મહિનાથી શરૂ થયેલ હિંસામાં અત્યાર સુધી 175 નાગરિકોના મૃત્યુ થયા છે. જ્યારે 1108 ઘાયલ થયા છે. તેમજ 32 લોકો લાપતા થઈ ગયા છે. તેમજ 4,786 ઘરોની આગચંપી થઈ છે અને 386 ધાર્મિક સ્થળોમાં તોડફોડ કરવામાં આવી છે. આઈજીપી(ઓપરેશન્સ) આઈ. કે. મુવિયાએ એક પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી છે. તેમને આશ્વાસન આપ્યું છે કે મણિપુર અત્યારે જે પડકારોનો સામનો કરી રહ્યું છે તેમાં સેન્ટ્રલ ફોર્સ, પોલીસ અને પ્રશાસન તણાવગ્રસ્ત સ્થિતિને સામાન્ય કરવા માટે 24 કલાક કામ કરી રહ્યા છે.
કુલ 386 ધાર્મિક સ્થળોમાં તોડફોડઃ આઈજીપી વધુમાં જણાવે છે કે હિંસા દરમિયાન પોલીસના અનેક શસ્ત્રોની લૂંટ કરવામાં આવી હતી. જેમાંથી અમે મોટાભાગના શસ્ત્રો પરત મેળવ્યા છે. જેમાં 1,359 ફાયર આર્મ્સ, 15,050 ગોળાબારૂદનો સમાવેશ થાય છે. આ સમગ્ર હિંસામાં આગચંપીના કુલ 5,172 કેસ દાખલ કરાયા છે. કુલ 386 ધાર્મિક સ્થળોમાં તોડફોડ કરવામાં આવી છે. જેમાં 254 ચર્ચ, 132 મંદિરોમાં તોડફોડ થઈ છે.
325 લોકોની ધરપકડઃ આઈજીપી(એડમિનિસ્ટ્રેશન) કે.જયંતે જણાવ્યું કે અત્યાર સુધી કુલ 175 લોકોના મૃત્યુ થયા છે. જેમાંથી કુલ 9 મૃતદેહોની ઓળખ થઈ શકી નથી. 79 મૃતદેહોના પરિવારજનોને જાણ કરી દેવામાં આવી છે જ્યારે 96 મૃતદેહોના પરિવારની ખબર મળતી નથી. ઈમ્ફાલ સ્થિત રિમ્સમાં 28, જેનીએમએસમાં 26 અને ચુરાચાંદપુર હોસ્પિટલમાં કુલ 42 મૃતદેહો રાખવામાં આવ્યા છે. કે. જયંત જણાવે છે કે કુલ 9,332 કેસ દાખલ કરવામાં આવ્યા છે. જેમાં 325 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
અનુસૂચિત જનજાતિની માંગણીને કારણે ભડકી ઊઠી હિંસાઃ આઈજીપી(ઝોન-3) નિશિત ઉજ્જવલ જણાવે છે કે નેશનલ હાઈવે 32 અને નેશનલ હાઈવે 2 પૂર્વવત શરૂ થઈ ગયા છે. મણિપુરની કુલ આબાદીમાં 53 ટકા મેઈતી લોકોનો સમાજ છે અને તેઓ ઈમ્ફાલની ખીણમાં રહે છે. જ્યારે નાગા અને કુકી સમુદાય 40 ટકા છે જેઓ પર્વતીય જિલ્લાઓમાં રહે છે. મેઈતી સમુદાય દ્વારા અનુસૂચિત જનજાતિનો દરજ્જો માંગતા જ વિરોધ શરૂ થઈ ગયો હતો. મેઈતીની માંગણીના વિરોધમાં જનજાતિય એકજૂટતા માર્ચના આયોજન બાદ જાતિય હિંસા ભડકી ઊઠી હતી.