રાજકોટ: રાજ્યમાં પ્રથમ તબક્કાના મતદાનને (Voting બસ હવે ગણતરીના દિવસો બાકી છે. એવામાં તમામ પક્ષના દિગજ નેતાઓ રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ પણ આજે રાજકોટ ખાતે ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. જેમાં તેમને કેન્દ્રની અને રાજ્યની ભાજપ સરકારને આડે હાથે લીધી હતી. જ્યારે મોરબી દુર્ઘટના મામલે પણ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા હતા.
મોરબીના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી: રાહુલ ગાંધીએ રાજકોટમાં શાસ્ત્રી મેદાનમાં જન સભાને સંબોધન કરી હતી. જ્યારે સભાને સંબોધન કરતા પહેલા રાહુલ ગાંધીએ મોરબી ઝુલતા પુલના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રાહુલ ગાંધીને સાંભળવા માટે સૌરાષ્ટ્રભર માંથી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ રાહુલ ગાંધીની રાજકોટમાં પ્રથમ જનસભા યોજાઈ હતી.
ભાજપ પર ગંભીર આક્ષેપ: મોરબીમાં ઝુલતા પુલ દુર્ઘટનામાં 135 જેટલા લોકોના મોત થયા છે. જ્યારે આ મામલે રાહુલ ગાંધીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે હું મોરબી મામલે રાજકારણ નહીં કરું પરંતુ મોરબી દુર્ઘટના મામલે યોગ્ય કાર્યવાહી થઈ નથી. ભાજપ સાથે સારા સંબંધો હોય એટલે કંઈ ના થાય. જ્યારે જવાબદારોના એફઆઇઆરમાં નામ પણ નથી. આ પ્રકારે મોરબી દુર્ઘટના મામલે રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.
મોંઘવારી અને બેરોજગારી વધી: રાહુલ ગાંધીએ જનસભા દરમિયાન ખેડૂતોના દેવા મુદ્દે પણ વાત કરી હતી. જ્યારે દેશમાં સતત મોંઘવારી અને બેરોજગારી વધી રહી છે. જેને સામાન્ય અને ગરીબ જનતા સહન કરી રહી છે. ત્યારે ભાજપ સરકાર આ મામલે નિષ્ફળ ગઈ હોવાનો આક્ષેપ પણ રાહુલ ગાંધીએ કર્યો હતો. આ સાથે જ રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા અંગે પણ જણાવ્યું હતું કે આ યાત્રા કન્યાકુમારીથી શ્રીનગર સુધી જશે અને શ્રીનગરમાં તિરંગો લહેરાવવામાં આવશે. જ્યારે ભારત જોડો યાત્રાને ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે અને અનેક લોકો આ યાત્રામાં જોડાઈ રહ્યા છે.
ઇન્દ્રનીલ રાજ્યગુરુએ માંગી માફી: રાહુલ ગાંધી આજે રાજકોટમાં હતા તે દરમિયાન પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ સ્ટેજ ઉપર જાહેરમાં રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસના નેતાઓની માફી માંગી હતી. ઉલ્લેખનીય છે કે ઈન્દ્રનીલ રાજ્યગુરુ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા અને કોંગ્રેસમાંથી તેઓ ધારાસભ્ય પણ બન્યા હતા. ત્યારબાદ તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા પરંતુ જેવાજ આમ આદમી પાર્ટી દ્વારા સીએમ પદનો ચહેરો જાહેર કરવામાં આવ્યો. ત્યારબાદ ઈન્દ્રનીલ રાજ્યગુરુ ફરી પાછા કોંગ્રેસમાં જોડાયા હતા. જેને લઈને તેમને મંચ ઉપર જાહેરમાં જ રાહુલ ગાંધી તેમ જ કોંગ્રેસના નેતાઓની માફી માંગી હતી અને આમ આદમી પર આકરા પ્રહાર કર્યા હતા.