ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને (Gujarat assembly elction 2022) લઈને માહોલ જામ્યો છે. ત્યારે દરેક પાર્ટી દ્વારા વિધાનસભા ચૂંટણીને લઈને પોત-પોતાનો ચૂંટણી ઢંઢેરો (menifesto pf every political party) જાહેર કરી દીધા છે. આ વખતના ચૂંટણી ઢંઢેરામાં અનેક વસ્તુઓ મફતમાં આપવાની (freebies in election menifesto) વાત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રી થયા બાદ મફતની રેવડીઓ (freebies ) વિષે ખુબ ચર્ચા કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર થયા બાદ કોંગ્રેસે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. ત્યારે શનિવારે ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાનો સંકલ્પ પત્ર (sankalp patr of bjp) જાહેર કર્યો હતો. ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં આ વખતે અનેક મફતની રેવડીઓ આપવાની વાત કરી છે. ત્યારે જોઈએ કોને શું કર્યા છે વાયદા?
મહિલાઓને શું શું મળશે મફત?: ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે એન્ટ્રી કરનાર આમ આદમી પાર્ટીએ પોતાની મેનીફેસ્ટો સૌથી પહેલા જાહેર કર્યો હતો. આપની સરકાર બની તો 18 વર્ષ ઉપરની તમામ મહિલાઓને દર મહિને 1 હજાર રૂપિયા આપવામાં આવશે. તે સિવાય ગુજરાતમાં મહિલાઓને મફતમાં મુસાફરી આપવાની વાત કરી છે. કોંગ્રેસે જાહેર કરેલા ઘોષણા પત્રમાં પણ તેમને મહિલાઓને વિશેષ ધ્યાને લીધી છે. ઘોષણા પત્રમાં ઇન્દિરા પ્રિયદર્શિની પાસ યોજના હેઠળ આઠ મહાનગરોમાં, મહિલાઓ માટે રાહતદરે મુસાફરી આપવાની વાત કરી છે. વિધવા, વૃદ્ધ, એકલ નારી ઉપરાંત તમામ જરૂરતમંદ મહિલાને મહિને રૂ.2000 નું મોંઘવારી એલાઉન્સ આપવામાં આવશે. ભાજપના ચૂંટણી ઢંઢેરામાં પણ મહિલાઓને ધ્યાને રાખીને અનેક વસ્તુઓ મફતમાં આપવાની વાત કરી છે. આર્થિક રીતે પછાત બહેનોને ઈ-સ્કૂટર અપાશે. વ્હાલી દીકરી યોજના હેઠળ 1.5 લાખની સહાય અપાશે. આ સિવાય સિનિયર સીટીઝન મહિલાઓ ફ્રીમાં બસ મુસાફરી કરી શકશે.
મફત વીજળી: દિલ્હી મોડલના તર્જ પાર આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં વીજળી મફતમાં આપવામાં વાત કરી છે. જો કે ત્યારબાદ કોંગ્રેસે જાહેર કરેલા મેનીફેસ્ટોમાં વીજળી મફત આપવાની વાત કરી છે. જયારે ભાજપે શનિવારે જાહેર કરેલા મિનિફેસ્ટોમાં મફત વીજળી આપવાનો કોઈ વાયદો કરવામાં આવ્યો નથી. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં 300 યુનિટ સુધી દરેક પરિવારને મફત વીજળી આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે. કોંગ્રેસે ત્યારબાદ જાહેર કરેલા મેનીફેસ્ટોમાં રાજ્યના દરેક નાગરિકના વિજળી બીલના 300 યુનિટ માફ કરવામાં આવશેની ઘોષણા કરી છે. રાજ્યના દરેક વિસ્તારમાં દર મહિને વીજળીના બીલ અપાશે.
શિક્ષણને લઈને દરેક પાર્ટીના વચન: શિક્ષણને લઈને ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરામાં શિક્ષણને લઈને મોટો વાયદો કર્યો છે. ભાજપે મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ હેઠળ ₹10,000 કરોડના ખર્ચે આગામી 5 વર્ષમાં 20,000 શાળાઓને અપગ્રેડ કરીશું. ₹1,000 કરોડના ભંડોળ સાથે 'કેશવરામ કાશીરામ શાસ્ત્રી હાયર એજ્યુકેશન ટ્રાન્સફોર્મેશન ફંડ'ની રચના કરીશું, જેની મદદથી નવી સરકારી કોલેજોનું નિર્માણ કરાશે અને હાલની કોલેજ-યુનિવર્સિટીઓને અદ્યતન સુવિધાથી સજ્જ કરવામાં આવશે. કોંગ્રેસે દીકરીઓને KGથી PG સુધીના શિક્ષણ માટે સંપૂર્ણ ફી માફીનો વાયદો કર્યો છે. રાજ્યમાં 3 હજાર અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓ શરુ કરાશે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટનો વ્યાપ વધારાશે, માત્ર ધોરણ 1 થી 8 સુધી જ નહીં પરંતુ ધોરણ 9 થી 12 સુધી લાગૂ કરીશું. આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં દિલ્હીના શિક્ષણ મોડલનો જ પ્રચાર કરીને ચૂંટણી લડી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ પણ દિલ્હી મોડલના તર્જ પર ગુજરાતમાં શિક્ષણને લઈને મોટી મોટી જાહેરાતો કરી છે. દરેક વિધાર્થીને મફતમાં શિક્ષણનો વાયદો કરવામાં આવ્યો છે. પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ ભરવામાં આવશે.
આરોગ્યને લઈને દરેક પાર્ટીઓના વાયદા: આરોગ્યને લઈને પણ દરેક પાર્ટીઓએ મોટી મોટી જાહેરાતો કરી છે. ભાજપ દ્વારા આરોગ્ય ક્ષેત્રે દેશના પહેલા બ્લૂ ઈકોનોમી ઈન્ડસ્ટ્રિયલ કોરિડોરનું નિર્માણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયૂષ્માન ભારત) હેઠળ નિઃશુલ્ક તબીબી સારવારની ખાતરી સાથે કુટુંબ દીઠ વાર્ષિક સારવાર માટેની મહત્તમ મર્યાદાને 5 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા કરીશું. કોંગ્રેસે ‘સરદાર પટેલ સર્વગ્રાહી આરોગ્ય નીતિ’ (Sardar Patel Universal Health Care Policy) બનાવવાનો વાયદો કર્યો છે. દરેક નાગરિકને સરકારી / માન્ય ખાનગી દવાખાનાઓમાં રૂપિયા દસ લાખ સુધીની મફત સારવાર અને દવા તેમજ રાજીવ ગાંધી અકસ્માત વીમા યોજનામાં રૂપિયા પાંચ લાખનું વીમા કવચ આપશે. તે સિવાય એમઆરઆઈ, સોનોગ્રાફી, ઇકો, એક્ષરે, સી.ટી સ્કેન,લેબોરેટરી વગેરે તપાસ પણ વિના મૂલ્યે આપવામાં આવશે. આમ આદમી પાર્ટી પણ દિલ્હી મોડલની તર્જ પર ગુજરાતમાં દરેક નાગરિક માટે નિઃશુલ્ક અને શ્રેષ્ઠ સારવારની સુવિધા આપવામાં આવશે. આ સિવાય તમામ દવાઓ, ટેસ્ટ અને ઓપરેશન નિઃશુલ્ક આપવામાં આવશે. ઉપરાંત મોહલ્લા ક્લિનિક અને એક્સિડન્ટ કેસમાં મફત સારવાર આપવાનો વાયદો કર્યો છે.
ખેડૂતોને દરેક પાર્ટીના વચન: ભાજપે ગુજરાત કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોષ હેઠળ ₹10,000 કરોડનું રોકાણ કરીશું, જે કૃષિ વિકાસ માટે એક સર્વગ્રાહી વ્યવસ્થાન મજબૂત કરાશે. ₹25,000 કરોડના ખર્ચે સમગ્ર ગુજરાતમાં સુજલામ સુફલામ, SAUNI, લિફ્ટ ઇરિગેશન, સૂક્ષ્મ સિંચાઈ, ટપક સિંચાઈ અને અન્ય પદ્ધતિથી થતાં કૃષિ સિંચાઈના વર્તમાન નેટવર્કનું વિસ્તરણ કરીશું. પશુધનની સર્વગ્રાહી કાળજી સુનિશ્ચિત કરવા માટે ગૌશાળાઓને માળખાગત રીતે મજબૂત (₹500 કરોડનું વધારાનું બજેટ), 1000 વધારાના મોબાઇલ વેટરનરી યુનિટ્સની રચના અને દરેક પશુધન માટે રસીકરણ તેમજ વીમાની ખાતરી કરાશે તેનો વાયદો કર્યો છે. કોંગ્રેસે પણ ખેડૂતો માટે ખેડૂતોનું રૂ. 3 લાખ સુધીનું દેવું માફ, વીજળીનું બીલ માફ કરાશે. નિષ્ણાંતો અને હિતધારકોના પ્રતિનિધિત્વ સાથેના કૃષિ આયોગ – કૃષિ પંચની રચના.જમીન સંપાદન માટે 2013નો યુપીએ સરકારે બનાવેલ ખેડૂતલક્ષી જમીન સંપાદન કાયદાનો અમલ, ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા ફેરફારોની સમીક્ષા –હાનિકારક જોગવાઇઓ રદ્દ કરવાનો વાયદો કર્યો છે. આમ આદમી પાર્ટીએ પણ ખેડૂતોને ધ્યાને રાખીને ગેરંટી આપી છે. આમ આદમી પાર્ટીએ ખેડૂતોને 2 લાખ સુધીનું દેવું માફ કરવામાં આવશે તેનો વાયદો કરવામાં આવ્યો છે. આ સિવાય જમીન માપણી સર્વે રદ કરીને ફરીથી નવો સર્વે કરવામાં આવશે. ખેડૂતોને 12 કલાક માટે વીજળી આપવામાં આવશેનો વાયદો કર્યો છે.
રોજગારી અંગેના વચન ભારતીય જનતા પાર્ટીએ આજે રજૂ કરેલ સંકલ્પ પત્રમાં ગુજરાતના યુવાનોને આગામી 5 વર્ષમાં 20 લાખ રોજગારીની તકો આપવાનું વચન આપ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટીએ ભષ્ટાચારવાળી કોન્ટ્રેક્ટ પદ્ધતિનો અંત લાવીને કાયમી નિમણૂંક કરવાની ખાતરી આપી છે. તેમજ બેરોજગાર યુવાનોને માસિક રૂપિયા 3,000નું ભથ્થુ આપવા ગેરંટી આપી છે. તેમજ કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા 8 વચન આપ્યા હતા, તેને ચૂંટણીના ઢંઢેરોમાં સમાવી લેવાયા છે. તે મુજબ કોંગ્રેસ સત્તામાં આવશે તો ગુજરાતમાં 10 લાખ સરકારી નોકરીઓમાં યુવાનોની ભરતી કરવામાં આવશે. અને 50 ટકા નોકરીઓ પર મહિલાઓનો અધિકાર રહેશે. જ્યાં સુધી નોકરી નહી મળે ત્યાં સુધી બેરોજગારોને રૂપિયા 3000નું ભથ્થુ આપાવમાં આવશે. સરકારી ભરતીમાં કોન્ટ્રેક્ટ પદ્ધતિથી ભરતી કરવા નાબૂદ કરવા કહેવાયું છે. રોજગારી મુદ્દે વચન આપવામાં કોંગ્રેસ અને આપ વધારે આગળ રહ્યું છે.
કોવિડ વળતર કોંગ્રેસના રાહુલ ગાંધીએ વચન આપ્યું છે કે જે 3 લાખ પરિવારોએ કોરોનામાં પોતોના સ્વજનો ગુમાવ્યા છે તેમને રૂપિયા 4 લાખ કોવિડ વળતર આપીશું. જો કે ભાજપ અને આમ આદમી પાર્ટીએ આ બાબતે કશુંય કહ્યુ નથી.
ઈકોનોમીને અગ્રેસર રાખવા નવું શું ભાજપે તેના સંકલ્પ પત્રમાં કહ્યું છે કે ગુજરાતને 1 ટ્રિલિયન ડૉલરની ઈકોનોમી બનાવવા માટે સર્વિસ સેકટર અને ન્યૂ એજ ઈન્ડસ્ટ્રીઝને વધુ ધ્યાન આપીને વેગવાન બનાવીશું. તેમજ સાગરખેડૂ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રકચરને વધુ મજબૂત કરીશું બ્લૂ ઈકોનોમી કોરિડોર અને સી ફૂડ પાર્કને કાર્યાન્વિત કરીશું.
ઓલિમ્પિક ગેમ્સની યજમાની 2036માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાના ઉદેશ્ય સાથે વર્લ્ડ કલાસ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રકચર વિકસાવીશું. તાજેતરમાં ગુજરાતમાં નેશનલ ગેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, અને તેમાં ગુજરાતને સફળતા મળી હતી. જો કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીએ સ્પોર્ટ્સ અંગે કોઈ વાતનો હાલ ઉલ્લેખ કર્યો નથી.
સંસ્કૃતિના વારસાને આગળ લઈ જવું ભાજપે સંસ્કૃતિ માટે આપ્યું વચન દ્વારકા પશ્ચિમ ભારતનું સૌથી મોટુ આધ્યાત્મિક કેન્દ્ર બને તે માટે દેવભૂમિ દ્વારિકા કોરિડોર બનાવીશું. મંદિરોના જીણોદ્વાર અને વિસ્તરણ માટે રૂપિયા 1000 કરોડ ફાળવીશું. ગુજરાતના ઉન્નત સાંસ્કૃતિક વારસાનું મહત્વ વધારવા માટે રૂપિયા 500 કરોડ ફાળવીશું.