પોરબંદર: ખારવા સમાજના આગેવાન અને હાલ (Gujarat Assembly Election 2022) જેઓને આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી છે, તેવા જીવન રણછોડ ભાઈ જુંગીનો જન્મ તારીખ 09/06/1955ના રોજ પોરબંદરમાં થયો હતો પરિવારમાં તેમને 3 પુત્રો અને 2 પુત્રી છે. જૂની અભ્યાસ પદ્ધતિમાં એસ.એસ.સી સુધી અભ્યાસ કરેલ જીવનભાઈ જુંગી ( Jeevan Jungi Netani Notebook ) વ્યવસાયે માછીમાર છે અને માછીમાર સમાજના આગેવાન છે.

રાજકીય કારકિર્દી: જીવન ભાઈ જુંગીની રાજકીય કારકિર્દી (Jeevan Jungi Political Profile ) 1995થી શરુ કરી ભાજપમાં જોડાયા હતા અને અનેક રાજકીય નેતાઓ સાથે ઘરોબો ધરાવે છે, ત્યાર બાદ અનેક રાજકીય કાર્ય કર્યા બાદ 2017માં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા અને માછીમારો માટે અનેક પ્રશ્નોનું નિરાકરણ લાવ્યું હતું. નગરપાલિકાના કાઉન્સિલર પણ રહી ચુક્યા છે. હાલ 2022માં તેઓ કોંગ્રેસ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આમ આદમી પાર્ટીએ તેઓ પર વિશ્વાસ મૂકી આવનાર વિધાનસભાની ચૂંટણીમાં પોરબંદર ધારાસભ્ય પદના ઉમેદવાર તરીકે ટિકિટ આપી છે.

જીવનભાઈ એ કરેલ રાજકીય કાર્યો: 1998માં તેઓ માછીમાર આગેવાન તરીકે આગળ અને 2001થી 2009 પોરબંદર માછીમાર બોટ એસોસિઓએશનના પ્રમુખ તથા અખિલ ગુજરાત એસોસિએશનના ઉપ પ્રમુખ રહી ચુક્યા છે. આ ઉપરાંત 2003માં વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇને રૂબરૂ રજુઆત કરી પાકિસ્તાનમાં ઝડપાયેલ 46બોટ અને 233 માછીમારોને છોડાવ્યા હતા. જયારે 2006માં વડાપ્રધાન મન મોહનસિંહ અને સોનિયાગાંધીને બોટ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીને વાર્ષિક બોટ દીઠ 1.5 લાખ ડેવલોપફંડ મંજુર કરાવ્યો હતો. 2019માં પાકિસ્તાનમાં કેદ બોટો અને ખલાસીઓને છોડાવવા એક મહિના સુધી ધરણા કાર્યક્રમ કર્યો હતો. 2019-2020માં ફરી બોટ એસોએસીએશનના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવતા ગુજરાત બોટના ડોક્યુમેન્ટ સીઝ થયા હતા તે છોડાવેલ અને બોટ અને ડીઝલના રિફંડ ચાલુ કરાવ્યા હતા. 2005થી 2010 સુધી નગરપાલિકાના કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા અને પીવાના પાણી તથા રોડ સહીતની અનેક સમસ્યાનું નિરાકરણ લાવ્યા હતા.
કોરોના કાળમાં જીવન જુંગીની સેવા: સામાન્ય દિવસોમાં જીવન જુંગીને મળવું હોય તો હોસ્પિટલમાં જ મળી રહે છે. સતત ગરીબ દર્દીઓની સેવામાં રહે છે. સેવાભાવિ વ્યક્તિ તરીકેની છાપ ધરાવતા જીવન જુંગી 1996થી બિન વારસુ ડેડ બોડીના અંતિમ સંસ્કારની સેવા આપી રહ્યા છે. અત્યાર સુધીમાં અનેક બિનવારસુ હિન્દૂ મુસ્લિમ લોકોની અંતિમ ક્રિયા કરી છે. કોરોના મહામારીમાં પણ સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ઓક્સિજન અને રેમડીસેવર ઇન્જેક્શન અંગે જિલ્લા કલેકટરને અનેક રજૂઆતો કરી મદદ રૂપ બન્યા હતા. તેઓ 2012થી ગુજરાત ઓબીસી સમર્થનના પ્રમુખ છે. જેમાં શિક્ષણ અને આરોગ્યની સમસ્યાઓનો ઉકેલ લાવ્યા છે. આ ઉપરાંત 2012થી 2022 સુધી સાગર ભારતી (સીમા જનકલ્યાણ સમિતિ )ના પ્રમુખ છે. જેમાં તેઓએ દરિયાઈ સુરક્ષા અને સમુદ્રી સફાઈનું કાર્ય કરાવ્યુ છે. 2021થી તેઓ ખારવા ચિંતન સમિતિના પ્રમુખ છે.
આમઆદમી પાર્ટીએ વિશ્વાસ મૂકી ટિકિટ આપી: જીવનભાઈ જુંગીના અનેક કાર્યો અને રાજકીય કારકિર્દી અને લોક ચાહના જોઈને આમ આદમી પાર્ટીએ તેઓને વિધાન સભાની આવનાર ચૂંટણીના ધારાસભ્ય પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. જીવનભાઈ જુંગી ખારવા સમાજમાં આગવું સ્થાન ધરાવે છે અને ગરીબ દર્દીઓની સેવાના કારણે તેઓની લોક ચાહના વધુ છે.