ભેસ્તાનમાં ડ્રમમાંથી યુવતીનો મૃતદેહ મળતાં ચકચાર મચી ગઈ - Surat News - SURAT NEWS
🎬 Watch Now: Feature Video
Published : Jul 3, 2024, 5:24 PM IST
સુરતઃ ભેસ્તાન વિસ્તારમાં એકલારા-ભાણોદ્રા રોડ પર અવાવરું જગ્યાએથી શંકાસ્પદ ડ્રમ મળી આવ્યું હતું. પોલીસ દ્વારા વજનદાર ડ્રમ લઈને સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યું. કટરથી સિમેન્ટ ભરેલું આ ડ્રમ કાપતા તેમાંથી યુવતીની ડેડબોડી મળી આવી હતી. ગળે ટૂંપો આપી હત્યા કર્યા બાદ લાશને પ્લાસ્ટિકના ડ્રમમાં કાપડના ડૂચા, રેતી- સિમેન્ટ સાથે ભરી દઈ ફેંકી દેવાયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. મળતી માહિતી પ્રમાણે, ગતરોજ એકલારા-ભાણોદ્રા રોડ પર અવાવરું જગ્યા પરથી સિમેન્ટ ભરેલું શંકાસ્પદ ડ્રમ મળી આવ્યું હતું. ભેસ્તાન પોલીસ સિમેન્ટ ભરેલું ડ્રમ લઈને સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. ભારે ભરખમ ડ્રમ થોડું ખુલ્લું હતું અને પગ જેવું દેખાતા લાશ હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી હતી. જેને પગલે સિવિલના તબીબો પણ ચોંકી ગયા હતા. પીએમ રૂમમાં આ ડ્રમ મુકાયું હતું. પાંચ ફૂટના આ ડ્રમને તોડવા એકતા ટ્રસ્ટની ટીમની મદદ લેવાઈ હતી. બીજી તરફ એફએસએલની ટીમ પણ સિવિલ દોડી હતી.
ભારે જહેમત બાદ કટરથી ડ્રમ તોડવાનું શરૂ કરાતા જ પોલીસ-તબીબો સહિત સૌ કોઈ અવાક થઈ ગયા હતા. ડ્રમ તોડાતા તેમાંથી યુવતીની લાશ મળી આવી હતી. ડ્રમમાં યુવતીનો મૃતદેહ રાખવામાં આવ્યો હતો. આ ડ્રમ બાંધકામ સાઈટ પર પાણી ભરવાનું પ્લાસ્ટિકનું ડ્રમ હતું. ડ્રમમાં યુવતીનું માથું અંદરની તરફ અને પગ બહારની તરફ હતા. ડ્રમમાં લાશ ઉપરાંત કપડાના ડૂચા, રેતી, સિમેન્ટ પણ ભરવામાં આવ્યા હતા.