કીમ ગામે રીક્ષા ચાલકોના ગ્રુપે મફત છાશ વિતરણ કર્યુ, કાળજાળ ગરમીમાં રાહતનું પગલું - Surat - SURAT
🎬 Watch Now: Feature Video
Published : May 23, 2024, 8:33 PM IST
સુરતઃ કાળજાળ ગરમીથી બચવા માટે કીમ રેલવે બ્રિજ નીચે રીક્ષા ચાલકો દ્વારા છાશ વિતરણ હાથ ધરવામાં આવ્યું હતું. ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોએ છાશ પી પોતાની આંતરડી ઠારી હતી. રીક્ષા ચાલકોની કામગીરી સૌ કોઈ એ બિરદાવી હતી. હાલ સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે સતત તાપમાનનો પારો ઉપર જઈ રહ્યો છે. જેનાથી સૌ કોઈ હેરાન પરેશાન થઈ ગયા છે. કાળજાળ ગરમીથી બચવા માટે લોકો પણ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. લોકોને ગરમીથી રાહત મળે તે માટે સામાજિક સંસ્થાઓ તેમજ સેવાભાવી લોકો દ્વારા જાહેર જગ્યાઓ પર છાશ વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઓલપાડ તાલુકાના કીમ ગામે રેલવે ઓવર બ્રિજ નીચે રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ચાલકોએ ફાળો એકત્ર કરી નિઃશુલ્ક છાશ વિતરણ કર્યું હતું. બહોળી સંખ્યામાં લોકોએ આ છાશ વિતરણ નો લાભ લીધો હતો. નિઃશુલ્ક છાશ વિતરણમાં વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કીમ પોલીસ મથકના GRD મૌલિક પાટીલ અને કનુંભાઈ ખડેપગે રહ્યા હતા. રીક્ષા ચાલક સંજય ભાઈએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસથી કાળજાળ ગરમી પડી રહી છે જેને લઈને સૌ કોઈ હેરાન પરેશાન થઈ ગયા છે. ગરમીથી લોકોને રાહત મળે તે માટે અમારા ગ્રુપ દ્વારા છાશ વિતરણનું આયોજન કીમ ગામે કરવામાં આવ્યું હતું. જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.