ઉંદર નિયંત્રણ યોજના હેઠળ સુરત જિલ્લામાં ખેતીપાકની જમીનોમાં બેટ મુકવાની કામગીરીનો પ્રારંભ - surat agriculture department - SURAT AGRICULTURE DEPARTMENT
🎬 Watch Now: Feature Video
Published : Jun 19, 2024, 7:54 PM IST
સુરત: રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માં "એજીઆર-2 ઉંદર નિયંત્રણ યોજના" હેઠળ સુરત જિલ્લામાં ખેતીપાક ઉત્પાદનમાં થતી ઘટ અટકાવવા તેમજ લેપ્ટોસ્પાયરોસીસ અટકાવવા માટે ઉંદર નિયંત્રણની કામગીરી ખરીફ- ૨૦૨૪ ઋતુમાં શરૂ કરવામાં આવી છે. જિલ્લાની તમામ સુગર ફેકટરીઓ મારફત ઉંદર નિયંત્રણની બેટની ખરીદી કરી ખેતીવાડી શાખા દ્વારા સમગ્ર સુરત જિલ્લાના તમામ જરૂરિયાતવાળા ગામોમાં એક સાથે જીવંત દરમાં બેટ મુકવાની કામગીરીનો પ્રારંભ જિલ્લા ખેતીવાડી અધિકારી સતીષ ગામીતના હસ્તે કરાયો હતો.
આ કામગીરી ત્રણ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે: આ ઉપરાંત તાલુકાકક્ષાના ખેતીવાડીના અધિકારીઓએ પોતાના તાલુકામાં બેટ મુકવાનો પ્રારંભ કરાવ્યો હતો. જીલ્લામાં ખેતીપાક ઉત્પાદનમાં થતી ઘટ અટકાવવા અંદાજિત શેરડી અને અન્યપાક મળી અંદાજિત કુલ 95828 હેક્ટર વિસ્તાર આવરી લેવામાં આવશે. ઉંદરોના નિયંત્રણ માટે સર્વે કરવામાં આવેલ ગામોની ખેતીની જમીનોમાં ઝેરી દવામાંથી બનાવેલ કેક બિસ્કીટ, ચોખાની કણકીનો પાવડર ઉંદરોના દરની આસપાસ કે ઉંદરોનો ઉપદ્રવ વધારે હોય ત્યાં મુકવામાં આવે છે. જે તે ગામના સરપંચ/તલાટી/ગ્રામસેવક અને આરોગ્યના કર્મચારીઓ દ્વારા ઝુંબેશના રૂપે કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી ત્રણ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. જેથી સુરત જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા સૌ ખેડુતોને સહકાર આપવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.