નવસારીના કેલીયા અને જૂજ ડેમ ઓવરફ્લો થવાના આરે, 12 થી વધુ ગામોને એલર્ટ કરાયા - Navsari rain update
Published : Jul 26, 2024, 7:50 AM IST
નવસારી : છેલ્લા એક અઠવાડિયામાં પડેલો વરસાદ નવસારી જિલ્લા માટે આફતરૂપ સાબિત થયો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નવસારીની લોકમાતાઓ બે કાંઠે વહેતી થઈ હતી. કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ હતી. પરંતુ હવે વરસાદે વિરામ લેતા નવસારી જિલ્લાની પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીની સપાટીમાં ઘટાડો થયો છે. જેથી વહીવટી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, જૂજ અને કેલીયા ડેમમાં પાણીની આવક વધતા બંને ડેમો ઓવરફ્લોની સપાટી પર પહોંચ્યા છે. જેના પગલે ચીખલી અને ગણદેવી તાલુકાના 12થી વધારે ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જો ડેમ ઓવરફ્લો થાય તો નીચાણવાળા વિસ્તાર તેમજ ગામના લોકોને સ્થળાંતરિત કરવા પડી શકે છે. જિલ્લાના ડેમોની સપાટી ભયજનક સપાટી તરફ પહોંચતા વહીવટી તંત્ર પણ એલર્ટ થયું છે. હાલ ડેમોની સપાટીનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.