Government Employee Strike : સરકારી કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચડાવી, ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કર્યો - Gujarat State Employees Association
🎬 Watch Now: Feature Video
Published : Mar 6, 2024, 5:06 PM IST
સુરત : જૂની પેન્શન યોજના લાગુ કરવાની મુખ્ય માંગ ન સંતોષાતા કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચડાવી છે. ત્યારે ગુજરાત સહિત સુરત જિલ્લાના 8000 થી વધુ સરકારી કર્મચારીઓ પેન ડાઉન સહિત ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કરી કામગીરીથી અલિપ્ત રહ્યા હતા. જેને લઈ સરકારી કામકાજ અને શિક્ષણ પર અસર જોવા મળી હતી. છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકારના કર્મચારીઓ સહિત પ્રાથમિક શિક્ષકો જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિત અન્ય પડતર માંગણીઓ મામલે સરકાર સામે બાંયો ચઢાવી લડત ચલાવી રહ્યા છે. આ પડતર પ્રશ્નો મામલે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે પ્રશ્નોના નિરાકરણ માટે સરકારને 4 માર્ચ સુધીની મુદત આપી હતી. પરંતુ સરકારે ઉદાસીન વલણ સાથે મચક ન આપતા આ બંને મહામંડળોએ આજે પેન ડાઉનની જાહેરાત કરી હતી. જિલ્લાભરના કર્મચારીઓ આજે આ સ્ટ્રાઈકમાં જોડાઈને સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. જેની અસર સરકારી કામગીરી પર જોવા મળી હતી અને શિક્ષણ કાર્ય ઠપ્પ રહ્યું હતું. આવનારા દિવસોમાં કર્મચારીઓની મુખ્ય માંગણી પર સરકાર જો હકારાત્મક વલણ ન અપનાવે કર્મચારીઓ આશ્ચર્યજનક કાર્યક્રમ આપી આંદોલન વધુ ઉગ્ર બનાવશે.તેમ કિરીટ પટેલ પ્રમુખ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જણાવાયું હતું