રાજકોટ : ગત 21 એપ્રિલ, શનિવારના રોજ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન (BCA) ચોથા સેમેસ્ટરનું પેપર વોટ્સએપ પર લીક થયું હોવાના પુરાવા સાથે પર્દાફાશ કર્યો હતો. ત્યારબાદ આ સંદર્ભે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વાઇસ ચાન્સેલર ડો. નીલામ્બરીબેન દવેને સોંપીને યોગ્ય કાનૂની કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.
ફાઈનલ અલ્ટીમેટમ : આ દિશામાં કોઈ યોગ્ય પગલાં ન લેવાયા હોવાના દાવા સાથે યુવરાજસિંહે આજે ફરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કુલપતિના કાર્યાલયમાં પહોંચીને અલ્ટીમેટમ આપ્યું છે. જો આ મામલો હવે 20-25 દિવસમાં સુલજાવવામાં નહીં આવે તો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ બીજા અન્ય વિદ્યાર્થી નેતા સાથે મળીને યુનિવર્સિટી પટાંગણમાં આંદોલન કાર્યક્રમ તો આપશે જ આપશે, પરંતુ જરૂર પડ્યે કુલપતિના નિવાસ્થાને પણ ઘેરાવ કાર્યક્રમ કરતા અચકાશે નહીં.
યુનિવર્સિટી સંચાલનનો ખુલાસો : બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીલામ્બરીબેન દવે ગેરહાજર હોવાને કારણે રજીસ્ટ્રાર રમેશ જી. પરમારે યુવરાજસિંહની રજૂઆત સાંભળી હતી. ઉપરાંત આ મુદ્દે તપાસ માટે એક રિટાયર્ડ જજની કમિટી બેસાડીને, તપાસ સમિતિનો જે નિષ્કર્ષ આવશે તે મુજબ કાર્યવાહી હાથ ધરશે તેવી બાંહેધરી આપી હતી. રમેશ પરમાર ETV BHARAT સાથેની વાતચીતમાં સ્પષ્ટતા કરી કે, સમગ્ર પેપરમાંથી 25 માર્કના પ્રશ્નો લીક થયા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો અને સીધી ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. તપાસ સમિતિનો જે નિષ્કર્ષ આવશે એ નિષ્કર્ષના આધારે યથા યોગ્ય પગલાં લેવામાં આવશે.
આંદોલન યથાવત કહેશે : પેપર લીક હોય કે ચોક્કસ પ્રશ્નો હોય વિધાર્થીઓનાં ભણતર અને જીવન સાથે થઈ રહેલા ચેડા મુદ્દે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા નમતું જોખવું જ નથી તે દેખાઈ આવે છે. યુવરાજસિંહ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોને આપવામાં આવેલા અલ્ટિમેટમ પર વિદ્યાર્થીઓની નજર ટકેલી છે. કારણ કે, આગામી 15-20 દિવસમાં આ દિશામાં યોગ્ય પગલાં નહીં લેવાય તો યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યા મુજબ અન્ય વિદ્યાર્થી સંગઠન અને વિદ્યાર્થી પાંખોને સાથે રાખીને પેપર લીક સામેની લડતમાં આંદોલનને વધુ તીવ્ર બનાવશે.