ગાંધીનગર: ગુજરાતમાં પહેલીવાર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા ‘યુવા સાંસદ-2024’ કાર્યક્રમનું આયોજન કરાયું. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વિદ્યાર્થીઓને એક દિવસ માટે સાંસદ બનવાની તક આપવામાં આવી હતી.
યુથ પાર્લામેન્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવનાર વડોદરાના અજય કશ્યપે જણાવ્યું કે યુવાનોની રાજકારણમાં ભાગીદારી વધારવા માટે અમે સક્રિય છીએ. યુથ પાર્લામેન્ટમાં યુનિફોર્મ સિવિલ કોડ, આર્ટીકલ 370, રામ મંદિર, વિકસિત ભારત વગેરે મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ ચર્ચા બાદ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લેવાયો હતો. રાજકારણમાં વધતા જતા પરિવારવાદ અંગેના સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીમાં પરિવારવાદ નથી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ કોઈપણ રાજકીય પરિવારમાંથી નથી આવતા. દેશના વિકાસ યાત્રામાં દરેકનું યોગદાન છે. યુવાનો રોજગારીની તલાશમાં વિદેશ જતા હોવાના સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે વાઇબ્રન્ટ સમિટ જેવા કાર્યક્રમોથી ગુજરાતમાં રોકાણ વધશે. યુવાનો વિદેશ જાય છે પરંતુ, તેઓ ત્યાંથી શીખીને પરત ભારતમાં પણ આવે છે. યુવાનો વિદેશમાં નવી નવી ટેકનોલોજી શીખીને દેશમાં રોજગારીનું સર્જન કરે છે.
યુથ પાર્લેમેન્ટમાં ગૃહ મંત્રી અમિત શાહનું પાત્ર ભજવનાર અને ધારાસભ્ય અમિત ઠાકરના પુત્ર વેદાંત ઠાકરે જણાવ્યું કે વિદ્યાર્થીઓ સ્પેસ સાયન્સ પર ચર્ચા કરશે. યુવાનો માટે સ્પોર્ટસના ક્ષેત્રમાં વિકાસ થયો છે. કોંગ્રેસને સમયમાં કોમનવેલથ ગેમ્સમાં કૌભાંડ થયા હતા. જ્યારે ભાજપના રાજમાં અમદાવાદમાં 2036માં ઓલમ્પિકની તૈયારીઓ થઈ રહી છે.
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાનું પાત્ર ભજવનાર ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીનો વિદ્યાર્થી હર્ષ સોનીએ જણાવ્યું કે યુથ પાર્લામેન્ટમાં દેશ દુનિયાના તમામ મુદ્દા ઉપર ચર્ચા થશે. રાજનીતિમાં આગળ વધવા માટે યુવાનોએ જાગૃત થવું પડશે. હાલમાં યુવાનો રાજનીતિ સિવાયના તમામ વિષયોમાં રસ ધરાવે છે. મોટાભાગના વિદ્યાર્થીઓનું લક્ષ ઇજનેર અને તબીબ બનવાનું છે. બહુ ઓછા વિદ્યાર્થીઓ રાજનીતિમાં આવે છે પરંતુ, નવનિર્માણ આંદોલન અને આઝાદીની લડાઈમાં યુવાનોએ આગળ પડતો ભાગ ભજવ્યો હતો. તેથી યુથ પાર્લામેન્ટ જેવા કાર્યક્રમો ખૂબ જ જરૂરી છે. આ કાર્યક્રમથી યુવાનોને રાજકારણમાં આવવાની પ્રેરણા મળે છે.