સુરત: મૂળ ઉત્તરપ્રદેશમાં ગોંડા જિલ્લાના વતની અને હાલ ગોડાદરા આસપાસ સાંઈધામ સોસાયટીમાં રહેતો 20 વર્ષીય દિપેશ સત્યપ્રકાશ મિશ્રા ગત બુધવારે બપોરે ગોડાદરા કેપિટલ સ્ક્વેર પાસે નિર્માણાધીન સ્વસ્તિક ટેક્સ્ટાઈલ માર્કેટ નજીક ભરાયેલા પાણીમાં ખાડો આવી જતા ડૂબ્યો હતો. પાણીના વહેણને કારણે આ યુવક સ્વસ્તિક ટેક્સ્ટાઇલ માર્કેટના બે માળ ઊંડા બેઝમેન્ટમાં તણાઈ ગયો હતો. જેનો મૃતદેહ શોધવા NDRF અને ફાયરબ્રિગેડની ટીમે ચાર દિવસની જહેમત બાદ શનિવારે કાઢ્યો હતો. બિલ્ડરની ભૂલને કારણે આ યુવકનું મૃત્યુ થયાનો આક્ષેપ ગતરોજ કરાયો હતો.
દરમિયાન પોલીસે ગતરાત્રે આ માર્કેટના બિલ્ડર સત્યનારાયણ રાઠી અને તેના પુત્ર અભિષેક રાઠી વિરુદ્ધ નવા કાયદા બી.એન.એસ.ની કલમ 105, 125 અને 54 અંતર્ગત ગુનો નોંધ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે 2016થી આ બિલ્ડિંગ બની રહી છે. 2017માં જ મનપા દ્વારા તેને કેટલીક ખામીઓને લઈ નોટિસ આપવામાં આવી હતી. પોલીસે નોંધ્યું હતું કે, બેઝમેન્ટ ફૂટપાથને અડીને બનાવવામાં આવ્યું હતું. અહીં કોઈ દીવાલ પણ ઊભી કરાઈ ન હતી. બેઝમેન્ટમાં પાણી ભરાય નહિ તેવી વ્યવસ્થા જ ઊભી કરાઈ ન હતી. જેને કારણે માર્કેટની આસપાસ ખાડો પડી ગયો હતો અને પાણી ભરાઇ ગયું હતું. આ યુવક ખાડામાંથી સીધો બેઝમેન્ટમાં પહોંચી ગયો હતો, જેના માટે બિલ્ડરની સીધી બેદરકારી જણાઈ આવી હતી. હાલ કેટલાક વખતથી અહીં બાંધકામ બંધ હતું તો તે કયા સંજોગોમાં બંધ હતું અને મનપાએ કેમ નોટિસ આપી હતી. તેની વિગતવાર માહિતી લઈ ગોડાદરા પોલીસ મથકના સબ ઈન્સ્પેક્ટર એસ.જી. કોટવાલે તપાસ હાથ ધરી છે.