કચ્છ: આ વર્ષે આ સાહસિક ગ્રુપની અંદર અમદાવાદ અને સુરતના લોકો પણ જોડાયા હતા. જેમને સૌથી પહેલા સવારના 4 વાગ્યાની આસપાસ ભુજની અંદર આવેલો ભુજીયો ડુંગર પછી નનામો ડુંગર, નખત્રાણા તાલુકામાં આવેલ ધીણોધર ડુંગર, સાંયરો ડુંગર, વિંછીયો ડુંગર અને ખટલો ડુંગર આ પ્રકારના છ અલગ અલગ ડુંગરોનું એક જ દિવસમાં આરોહણ અને અવરોહણ કર્યું હતું. નનામો અને ધીણોધર ડુંગર કચ્છના સૌથી મોટા ડુંગર તરીકે માનવામાં આવે છે. આ ડુંગરો પૈકી અમુક ડુંગરો પ્રખ્યાત છે તો અમુક ડુંગરો નનામી છે. સિકસ હિલ્સ અ ડેમાં આખા દિવસમાં 240 કિલોમીટર જેટલી વાહનથી મુસાફરી કરવામાં આવી હતી. તો અંદાજિત 21 કિલોમીટર જેવું પગપાળા જંગલોની અંદર અને ડુંગરોની અંદર ચાલવાનું થયું હતું.
એક જ દિવસમાં 21 કિલોમીટરનું અંતર કાપ્યું: ભુજના યુવા સાહસિક ડૉ. આલાપ અંતાણી અને અન્ય 30 જેટલા યુવાનોએ સાથે મળીને સવારના 3:30 વાગ્યાથી રાત્રીના 9:30 વાગ્યા સુધીમાં કચ્છના જુદા જુદા વિસ્તારનાં 6 ડુંગર પર આરોહણ અવરોહણ કરવાનું સાહસ ખેડ્યું હતું. જેમાં કુલ 240 કિલોમીટરની વાહનથી મુસાફરી કરવામાં આવી હતી તો અંદાજિત 41000 જેટલા સ્ટેપ્સ અને 6 ડુંગરની અંદાજિત 7000 ફૂટ ઊંચાઈઓ મળીને કુલ 21 કિલોમીટરનું અંતર સર કરવામાં આવ્યું હતું.
ડુંગરો પર માનસિક શાંતિનો અહેસાસ: સિકસ હિલ્સ અ ડેમાં સમાવિષ્ટ કરવામાં આવેલ દરેક ડુંગરોની કુલ હાઈટની વાત કરવામાં આવે તો 6 ડુંગરોની કુલ હાઇટ લગભગ 7000 ફૂટ જેટલી હાઈટ જે છે એ સર કરવામાં આવી હતી. આ સાહસ એક પ્રકારે અસામાન્ય રીતે સાહસિક અભિયાન છે જે દર વર્ષે આલાપ ભાઈ દ્વારા કરવામાં આવતું હોય છે. દરેક ડુંગર ઉપર દર વર્ષે અલગ જ પ્રકારના આહ્લાદક દ્રશ્યો જોવા મળે છે. આ સાહસિક અભિયાન દરમિયાન શારીરિક થાક તો લાગે જ છે સાથે ઉપર પહોંચીને જે દ્ર્શ્યો જોવા મળે છે તેનાથી માનસિક શાંતિ મળે છે. તેવું આલાપ અંતાણીએ જણાવ્યું હતું.
દર વર્ષે સિકસ હિલ્સ અ ડેનું આયોજન તેમના દ્વારા કરવામાં આવતું હોય છે આ વર્ષે છઠ્ઠું વર્ષ હતું. જેમાં તેમના અને તેમના મિત્રોના ગ્રુપ દ્વારા એક વિશેષ પ્રકારનું આયોજન કરવામાં આવતું હોય છે. આમ તો છેલ્લા 6 વર્ષથી તેમના દ્વારા સાહસિક અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં એક જ દિવસમાં સવારે 3:30 વાગ્યાથી કરી અને રાત્રે 9:30 વાગ્યા સુધીમાં કચ્છના છ અલગ અલગ જગ્યાએ આવેલા ડુંગરોને સર કરવામાં આવે છે. - ડૉ.આલાપ અંતાણી, યુવા સાહસિક
આજે કચ્છમાં વિવિધ ટુરીઝમ ક્ષેત્રે વિકાસ પામી રહ્યું છે ત્યારે કચ્છની જીઓગ્રાફી અલગથી જાણવા માટે અને સાહસપ્રિય જે પ્રવાસીઓ છે એમને આકર્ષવા કચ્છના ટુરીઝમ ક્ષેત્રે એડવેન્ચર ટુરિઝમનું પણ એક અલગ આયામ આપણે ઉમેરી શકીશું.