રાજકોટ: અગ્નિકાંડમાં બાળકો સહિત અન્ય 28 લોકોના મૃત્યુ થયા હતા. આ સાથે જ આ અગ્નિકાંડમાં આસપાસના શહેરોના પણ કેટલાક લોકોના મૃત્યુ થયા છે જેમાંથી જેતપુર તાલુકાના વીરપુરના જીગ્નેશ ગઢવી નામના યુવાનનો સમાવેશ થાય છે. આ યુવાન 20 દિવસ પહેલા જ TRP ગેમીંગ ઝોનમાં નોકરીએ લાગ્યો હતો અને આ અગ્નિકાંડમાં ભોગ બન્યો હતો. મૃતક જીગ્નેશ જ્યારે ગેમીંગ ઝોનમાં આગ લાગી ત્યારે અન્ય લોકોને બચાવવા માટે ગયો હતો અને તે સમયે બ્લાસ્ટ થતા જીગ્નેશનું મૃત્યુ થયું હતું.
જીગ્નેશ ગઢવીનાં મૃતદેહની જાણ: અગ્નિકાંડમાં તમામ મૃતકોના DNA સેમ્પલ લેવામાં આવ્યા હતા, અને જેમ જેમ FSLમાંથી સેમ્પલ આવી રહ્યા છે, તે મુજબ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે, ત્યારે મૃતક જીગ્નેશ ગઢવીનું પણ DNA સેમ્પલ મેચ થતા જીગ્નેશ ગઢવીના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. પરિવારજનો જીગ્નેશ ગઢવીના મૃતદેહને યાત્રાધામ વીરપુર તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો હતો, જીજ્ઞેશની અંતિમયાત્રા નીકળતા આખું ગામ હિબકે ચડ્યુ હતું અને ભારે આક્રંદ વચ્ચે વીરપુર સ્મશાન ગૃહ ખાતે તેની અંતિમવિધિ કરવામાં આવી હતી.
એકના એક પુત્રે પિતાની છત્રછાયા ગુમાવી: અંતિમવિધિમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયાં હતા. જીગ્નેશ ગઢવીના મૃત્યુથી તેની ચાર બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો છે અને એકના એક પુત્રે પિતાની છત્રછાયા ગુમાવી છે. આ ઘટનાના આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી પરિવારજનોએ માંગ કરી છે. જીગ્નેશ જેવા ઘણા બહાદુર લોકોએ આ અગ્નિકાંડમાં પોતાનો જીવ ગુમાવ્યો છે.