કચ્છ: યોગ એ ભારતની આગવી ઓળખ છે. ભારતની સાંસ્કૃતિમાં યોગ એ એક મહત્વપૂર્ણ સ્થાન મેળવે છે. જેને આજે સંપૂર્ણ વિશ્વ પણ સ્વીકારી રહ્યું છે અને આ દિવસની ઉજવણી કરી રહ્યું છે. આમ, 21 જૂન જે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવાય છે. વૈશ્વિક સ્તરે આની ઉજવણી થતાં આ દિવસ ઉજવવા માટે લોકો અલગ અલગ પ્રકારની તૈયારીઓ કરતાં હોય છે. ત્યારે કચ્છના રોગાન કારીગર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના લોગોની કૃતિ તૈયાર કરવામાં આવી છે.
કળા અને કારીગરીનું હબ કચ્છ: ગુજરાતનો સરહદી જિલ્લો કચ્છ કળા અને કારીગરીનું હબ છે. કચ્છના કલાકારો જુદી જુદી કળાના માધ્યમથી કોઈ પણ મહત્વપૂર્ણ ઘટનાને પણ પોતાની કલા વડે ઉજાગર કરતા આવ્યા છે. ત્યારે 21 જૂન વિશ્વ યોગ દિવસના વિષયને ધ્યાનમાં રાખીને કચ્છના કારીગરે 400 વર્ષ જૂની રોગાન કળામાં વિશ્વ યોગ દિવસનો લોગો કંડાર્યો છે. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં સંયુક્ત રાષ્ટ્રના સંબોધનમાં 21 જૂનની તારીખ વિશ્વ યોગ દિવસ તરીકે સૂચવી હતી અને ત્યારબાદ 2015થી દર વર્ષે 21 જૂન કે જે વર્ષનો લાંબો દિવસ પણ છે તેને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે.
- 400 વર્ષ જૂની કળા મારફતે વિશ્વ યોગ દિવસના લોગોની પ્રતિકૃતિ તૈયાર કરાઈ
કચ્છના માધાપર ગામના રોગાન કારીગર આશિષ કંસારાએ વિશ્વ યોગ દિવસનો લોગો દર્શાવતી પ્રતિકૃતિ રોગાન કળા મારફતે તૈયાર કરી છે. કચ્છના કારીગરે આ 400 વર્ષ જૂની રોગાન કળા મારફતે 20 થી 25 દિવસોમાં આ કલાકૃતિ તૈયાર કરી છે જેની સાઈઝ 15 બાય 18 છે. આ કલાકૃતિની વિશેષતા એ છે કે, આ રોગાન કળા મારફતે કરવામાં આવી હોવાથી આ ડિઝાઇન 200 વર્ષ સુધી ટકી રહે છે. આ કલાકૃતિમાં કપડું ફાટી શકે છે પરંતુ તેના પર કરવામાં આવેલ રોગાન આર્ટ છે તે ક્યારેય બગાડતી નથી. ઉપરાંત ખાસ કરીને આ કળામાં વાપરવામાં આવતા રંગો ખૂબ જ આકર્ષક હોય છે.
- રોગાન આર્ટિસ્ટ આશિષ કંસારા છેલ્લાં 6 વર્ષથી કરે છે રોગાન કળા
રોગાન આર્ટિસ્ટ આશિષ કંસારા છેલ્લા 6 વર્ષથી આ રોગાન કળા સાથે સંકળાયેલા છે. આમ તો રોગાન કળા ખૂબ અઘરી કળા માનવામાં આવે છે અને મોટેભાગના રોગાન કળાના કારીગરો ટ્રી ઓફ લાઇફ જેવી કૃતિઓ જ બનાવતા હોય છે. પરંતુ આશિષભાઈએ રોગાન કળામાં અગાઉ ચંદ્રયાન 3, રામ દરબાર, ભારતમાતા, રામ મંદિર જેવી કૃતિઓ બનાવી છે. અને હાલમાં વિશ્વ યોગ દિવસના લોગોની કૃતિ બનાવી સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. આશિષભાઇને રોગાન કારીગર તરીકે પોર્ટ્રેટ પ્રતિકૃતિ બનાવવાનું વધારે પસંદ છે. જોવામાં આકર્ષક લાગતી રોગાન કળા ખૂબ મેહનત માંગી લે છે. રોગાન કળામાં ખુબ બારીક કારીગરીની જરૂર પડે છે. કચ્છના રોગાન કળાના કારીગરો 400 વર્ષ જૂની આ રોગાન કળાને ફરી ઉજાગર કરવા અથાક પ્રયત્નો કરી રહ્યા છે.