વલસાડ : ધરમપુર અને કપરાડા વિસ્તારમાં 90 ટકા આદિવાસી વિસ્તાર છે. જ્યાં દર વર્ષે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થાય છે. આ વર્ષે પણ વિશ્વ આદિવાસી દિવસની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. જોકે, આ વખતે ડીજેના ઘોંઘાટને બાજુ પર મૂકી પરંપરાગત આદિવાસી વાદ્યો સાથે રેલી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.
પરંપરાગત આદિવાસી વેશભૂષા : આદિવાસી વિસ્તારમાં રહેતા લોકો વર્ષો જૂની પરંપરા મુજબ પોતાની પરંપરાગત શૈલીના વસ્ત્રો પહેરી મહિલાઓ, બાળકો અને વૃદ્ધો વડીલો સહિત યુવાનો પણ માથે સાફો પહેરી રેલીમાં જોડાયા હતા. આદિવાસી સમાજના પરંપરાગત વાદ્યો અને શૈલીને યુવાનો જાણે અને સમજે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
આદિવાસી વાદ્યો ગૂંજ્યા : વલસાડ જિલ્લામાં વસવાટ કરતા ધોડીયા, કુકણા, વારલી સહિત આદિવાસી સમાજની કોમોહી વસવાટ કરે છે. આ તમામ લોકોના પરંપરાગત સંગીત વાદ્યો અલગ અલગ છે. આ તમામ વાદ્યોને લઈને આજે લોકો રેલીમાં ઉતર્યા હતા. જેમાં પરંપરાગત વાદ્ય તારપુ, તુર, શરણાઈ, ઢોલ અને થાળી સહિત અનેક વાદ્યના તાલે અનેક યુવાનો નૃત્ય કરતા જોવા મળ્યા હતા.
તીર-કામઠા સાથે નૃત્ય : આદિવાસી સમાજની મહિલાઓ પરંપરાગત આદિવાસી સમાજના પોશાકમાં રેલીમાં નૃત્ય કરતા જોવા મળી હતી. તેઓના હાથમાં આદિવાસી સમાજના તીર-કામઠા તેમજ તેમના પરંપરાગત ખેતીના સાધનો પણ જોવા મળ્યા હતા.
ભવ્ય રેલીનું આયોજન : જળ,જંગલ અને જમીનને પૂજનારા આદિવાસી સમાજના લોકો દ્વારા આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના પ્રારંભે ધરમપુર ખાતે આવેલ આસુરા સર્કલ પર પ્રકૃતિની પરંપરાગત પૂજા કરવામાં આવી હતી. જે બાદ વિશ્વ આદિવાસી દિવસની રેલીનો પ્રારંભ કર્યો હતો. આ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને અંતે બાબાસાહેબ આંબેડકર સર્કલ ઉપર પૂર્ણ થઈ હતી.
આદિવાસી વાનગીનું વિતરણ : ધરમપુર ખાતે નીકળેલી રેલીમાં આદિવાસી સમાજના પરંપરાગત નૃત્ય, વિવિધ સંગીતના વાદ્યો સાથે રેલીમાં આદિવાસી સમાજને ધ્યાન આકર્ષિત કરે એવી વાનગી હતી. જેને ગુજરાતીમાં ચોખાની રાબ તરીકે ઓળખવામાં આવે છે, આદિવાસી સમાજ તેને પેજુ કે પેજવું તરીકે ઓળખે છે. રેલીમાં જોડાયેલા તમામ લોકોને આ વાનગીનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું.
પ્રેરણાદાયી ઉજવણી : આમ ધરમપુરમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વર્તમાન સમયની આદિવાસી સમાજની યુવા પેઢી પરંપરાગત સંગીતના વાદ્યો નૃત્ય તેમના પહેરવેશ અને તેમની પરંપરાને જાણે તે માટે વિશેષ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.