જૂનાગઢ : આજે વિશ્વ રંગભૂમિ દિવસ છે. ગુજરાતે ન માત્ર રંગભૂમિ પરંતુ રંગભૂમિના કલાકારો આપ્યા છે. જૂનાગઢ પણ આ ક્ષેત્રે આજે પણ કાર્યરત જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢની ભૂમિએ રંગભૂમિને કેટલાય કલાકારો આપ્યા છે. આજે રંગભૂમિના ઓસરતાં જતા દિવસો અને કલાકારોની યોગ્ય સમયે કદર અને પૂરતા પ્રમાણમાં રંગભૂમિ પર અદા થઈ શકે તે પ્રકારના નાટકોને પ્રાધાન્ય નથી મળતું, જેને કારણે આજે રંગભૂમિ એક સીમિત વર્ગમાં મર્યાદિત બની છે.
વિશ્વ રંગમંચ દિવસ : વર્ષ 1960 માં પ્રથમ વખત ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટયૂટ દ્વારા રંગમંચ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી વિશ્વની રંગભૂમિ અને રંગમંચ પર અનેક નાટકો રજૂ થયા છે. 1960 માં ઉજવણીની શરૂઆતનો મુખ્ય ધ્યેય રંગમંચ થકી વિશ્વ શાંતિ સ્થપાય તે હતો. જેમાં આજદિન સુધી કોઈ પણ બદલાવ કરવામાં આવ્યો નથી. આજે પણ વિશ્વ શાંતિ માટે વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
ગુજરાત રંગભૂમિ માટે સમૃદ્ધ : ગુજરાત રંગભૂમિનો સદીઓ જૂનો જીવંત અને સમૃદ્ધ વારસો ધરાવે છે. રંગભૂમિના પરંપરાગત સ્વરૂપો ભવાઈ અને રાસલીલા પેઢીઓથી ભજવવામાં આવે છે. ભવાઈ આજે પણ નાટ્યરૂપ અને સામાજિક સંદેશો આપવા માટે સંગીતની સાથે નૃત્ય અને કેટલાક નાટકોમાં વ્યંગનો સમાવેશ કરવામાં આવે છે. તો બીજી તરફ રામલીલા હિંદુ દેવતાઓની દૈવીય શક્તિને રંગભૂમિ પર નિરૂપણ કરવાનું પણ કામ કરે છે.
રંગભૂમિનું પરંપરાગત સ્વરૂપ : આધુનિક યુગમાં નાનાલાલ દલપતરામ કવિ અને મુક્તાનંદ સ્વામી જેવા નોંધપાત્ર નાટ્યકારો અને કલાકારોના ઉદય સાથે 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં ગુજરાતી રંગભૂમિએ એક અલગ સ્થાન અને મહત્વ મેળવ્યું હતું. ગુજરાતે નાટકોમાં માનવ જીવન સાથે જોડાયેલા વિષયો અને સામાજિક મુદ્દાઓ રજૂ કર્યા હતા. આજે પણ આ ઉદેશ્ય સાથે રંગભૂમિ કામ કરી રહી છે.
રંગભૂમિ સાથે જૂનાગઢના નિકટના સંબંધો : જૂનાગઢનો રંગભૂમિ સાથે એક અનેરો અને આગવો લગાવ જોવા મળે છે. રંગભૂમિને લઈને જૂનાગઢ રાષ્ટ્રીય કહી શકાય તેવું પ્રતિનિધિત્વ આપ્યું હશે. જૂનાગઢની આ ભૂમિએ રંગમંચના કેટલાક ખૂબ જ અસરકારક અને ખ્યાતનામ કલાકારો આપ્યા છે. જેમાં જયકર ધોળકિયા, નરેશ ફીટર, હેમંત નાણાવટી, રાજેશ બુચ, યોગેશ આવાસિયા, ઉદયન સેવક અને સંજીવ મહેતા સહિત દામીની મજમુદાર અને હર્ષાબેન માકડનો સમાવેશ થાય છે.
સ્થાનિક કલાકારોનો ભાવ : આ એવા નામો છે કે જેણે જૂનાગઢની સાથે રંગભૂમિને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો હતો. આજે પણ આ તમામ કલાકારો જૂનાગઢની સાથે રંગભૂમિને કઈ રીતે જીવંત રાખીને નવી પેઢીના લોકો સુધી પહોંચાડી શકાય તે માટે પણ સતત પ્રયત્નશીલ જોવા મળી રહ્યા છે. પરંતુ આધુનિક સમયમાં રંગભૂમિ કોઈ એક ખૂણામાં દબાયેલી અને ધરબાયેલી પ્રતિભા છે, જેને જાહેર મંચ પર ફરી એક વખત જીવંત કરવાની જરૂરીયાત આજના દિવસે જૂનાગઢના સ્થાનિક કલાકારો પણ મહેસુસ કરી રહ્યા છે.
જૂનાગઢમાં સમયાંતરે નાટકોનું આયોજન : જૂનાગઢમાં સમયાંતરે નાટકના શોનું આયોજન થાય છે. જેમાં આજે પણ નાટક રસિક દર્શકો મળી રહે છે. અદાકારોની એકમાત્ર પકડને કારણે કોઈ પણ પ્રકારના આધુનિક મેકઅપ કે અન્ય જાકમજોળ વિના એકદમ નિર્દોષ ભાવે લોકોની સમસ્યા રજૂ કરતું નાટક જોવા માટે લોકો આજે પણ આવી રહ્યા છે. ચોક્કસપણે તેની સંખ્યા ખૂબ જ મર્યાદિત છે, તેમ છતાં મર્યાદિત દર્શકોની સંખ્યાની વચ્ચે રંગભૂમિ અને તેના જોશ પર અદાકારી થકી કલાના કામણ પાથરતા સ્થાનિક કલાકારો આજે પણ પોતાના લોહીમાં રંગભૂમિને જીવંત રાખીને નાટક રજૂ કરી રહ્યા છે.