અમદાવાદ: અપોલો હોસ્પિટલ્સ દ્વારા રોડ જર્નીસ બાઇકર્સ ગ્રૂપના સહયોગથી તમાકુની હાનિકારક અસરો વિશે જાગૃતિ લાવવા માટે એક બાઇક રેલી સાથે “વર્લ્ડ નો ટોબેકો ડે”ની ઉજવણી કરી હતી. પરિમલ ગાર્ડન ખાતેથી આ રેલીને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. જેમાં કેન્સર સર્વાઇવર, તબીબો, નર્સિગ સ્ટાફ અને બાઇકર્સ ગ્રૂપે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તમાકુના સેવન સામે લડવા માટે સામૂહિક પ્રયાસો અને તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
રોડ જર્નીસ બાઇકર્સ ગ્રૂપ દ્વારા રેલી કઢાઇ: અમદાવાદ અને ગાંધીનગરના જુદા જુદા વિસ્તારમાં રેલી ફરીને આંબાવાડીની અપોલો હોસ્પિટલ ખાતે સમાપ્ત થઇ હતી. અપોલો હોસ્પિટલના સીઓઓ અને ગુજરાત રિજનના યુનિટ હેડ નીરજ લાલ, અપોલો કેન્સર સેન્ટર અમદાવાદના સિનિયર કન્સલ્ટન્ટ મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ આકાશ શાહ, અપોલો કેન્સર કેર હોસ્પિટલ અમદાવાદના કન્સલ્ટન્ટ મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. રૂષિત શાહ અને અપોલો હોસ્પિટલ અમદાવાદના જનરલ મેનેજર સંદિપ જોશી પણ રેલીમાં જોડાયા હતા.
80 થી 85 ટકા મોઢાના કેન્સરના કેસ: અપોલો હોસ્પિટલ અમદાવાદના જનરલ મેનેજર સંદિપ જોશીએ જણાવ્યું કે, અમારી પાસે જે દર્દીઓ આવે છે એમાંથી 80 થી 85 ટકા કેસ તમાકુ ચાવવાથી , સિગરેટ પીવાથી મોઢાનું જે કેન્સર થાય છે એના કેસ દાખલ થાય છે. અમુક લોકો જ એવા હોય જેના અન્ય કારણોથી કેન્સર થતાં હોય છે.
ડોક્ટર પાસે તપાસ કરાવવી જોઇએ: જાગૃતિનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે. લોકો તપાસ કરાવતાં થયા છે. સેકન્ડ અને ત્રીજા સ્ટેજમાં હોય ત્યારે લોકોને જાણ થતી હોય છે. જેમને વારંવાર ચાંદી પડતી હોય અથવા લાંબો સમય રહેતી હોય તેમણે કાન-ગળાની તપાસ, મોઢાની કેન્સરના ડોક્ટર પાસે તપાસ કરાવવી જોઈએ. જે મામલે આજે જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.