સુરત: ગુરુવારે રાત્રે ચોક બજાર વિસ્તાર ખાતે આવેલા અખંડ આનંદ કોલેજ નજીક નાઈટ ડ્યુટી દરમિયાન હેડ કોન્સ્ટેબલ જાગૃતિ અને લોકરક્ષક વૈશાલીની નજર એક યુવતી ઉપર પડી જે રસ્તામાં અચાનક જ બેભાન થઈ ગઈ હતી. 22 વર્ષીય યુવતીને બેભાન જોઈ તાત્કાલિક જાગૃતિ અને વૈશાલી ત્યાં પહોંચી ગયા, અને તેને ભાનમાં લાવવા માટેના પ્રયત્નો કરવા લાગ્યા. યુવતી બેભાન હતી આ માટે તેઓએ યુવતીને સીપીઆર આપ્યું હતું.
પોલીસની ગાડીમાં હોસ્પિટલ લઈ ગયા: યુવતી બેભાન હતી અને હોશમાં નહીં આવતા હેડ કોન્સ્ટેબલ જાગૃતિએ તેમને માઉથ ટુ માઉથ સીપીઆર આપ્યુ હતું. જેના કારણે યુવતી થોડી હોશમાં આવી હતી. આ દરમિયાન ચોક બજાર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર વિશાલ વાઘડીયા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. અને તેઓએ તેમની ગાડીમાં યુવતીને હોસ્પિટલ મોકલવામાં મદદ કરી હતી. અને સમયસર યુવતી હોસ્પિટલ પહોંચી હતી અને તેનું જીવ બચાવી લેવામાં આવ્યું હતું.
ચોક બજાર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર વિશાલ વાઘડિયાએ જણાવ્યું કે, "હેડ કોન્સ્ટેબલ જાગૃતિ અને એલ આર વૈશાલીબેન બંદોબસ્તમાં હતા. તે સમયે તેમની નજર બેભાન થયેલી યુવતી પર પડી, તેઓએ તાત્કાલિક તેમને સીપીઆર આપ્યું હતું. જેથી તેઓ થોડા હોશમાં આવતા તેમને તાત્કાલિક હોસ્પિટલ મોકલી આપી હતી. અને હાલ તેમની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે."