સુરત: દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નર્મદા, નવસારી સહિતના જિલ્લાઓના જંગલોમાં બહોળી સંખ્યામાં દીપડાઓ રહે છે. સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લામાં વધુ દીપડા માંગરોળ અને માંડવી તાલુકાના જંગલ વિસ્તારમાં રહે છે. છાશવારે દીપડાઓ ગ્રામીણ ક્ષેત્રોમાં આવતા હોય છે અને શ્વાન, બકરીઓ અને મરઘાંનો શિકાર કરતા હોય છે, ત્યારે વધુ એક દીપડો માનવ વસ્તી નજીક આવ્યો હતો અને પશુ સમજી એક મહિલા પર હુમલો કરી દીધો હતો. માંગરોળ તાલુકાના દેગડિયા ગામે ગતરોજ મહિલા પર દીપડાએ હુમલો કરતા મહિલાનું મોત નીપજ્યું હતું.
આજરોજ મૃતક મહિલાના પરિવારને પાંચ લાખનો ચેક આપવામાં આવ્યો: સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના દેગડિયા ગામે 40 વર્ષીય ગીતાબેન વસાવા રહેતા હતા. તેઓ કુદરતી હાજતે ગયા હતા આ દરમિયાન દીપડાએ તેઓના પર હુમલો કરતા તેઓ લોહી લુહાણ થઇ ગયા હતા અને તેઓનું મોત નીપજ્યું હતું. બીજી તરફ બનાવની જાણ થતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી હતી. આજરોજ માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવા દેગડીયા ગામે પહોચ્યા હતા અને મૃતક મહિલાને શ્રધાંજલિ આપી સરકાર તરફથી પાંચ લાખની સહાયનો ચેક ગીતાબેનના પરિવારને આપ્યો હતો.
દીપડાને પકડવા ડ્રોન કેમેરાની મદદ લેવાઇ: વાંકલ આરએફઓ હિરેન પટેલએ આ મુદ્દે જાણાવ્યું હતું કે, દેગડીયા ગામે દીપડાએ આદિવાસી મહિલા પર હુમલો કરતા મહિલાનું મોત નીપજ્યું છે. હાલમાં અલગ અલગ 8 જેટલી ટીમો બનાવીને દીપડાને શોધવાની કામગીરી ચાલુ છે. અલગ અલગ વિસ્તારોમાં દીપડાના ફૂટમાર્ક શોધવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત અલગ અલગ જગ્યાએ 8 પાંજરા ગોઠવવામાં આવ્યા છે. આજુબાજુ શેરડી અને કેળાના ખેતરો પણ આવ્યા છે જેથી ડ્રોન ઉડાવીને ડ્રોન કેમેરાથી પણ દીપડાની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તેમજ આસપાસ લોકોને અપીલ કરવામાં આવી છે કે જ્યાં સુધી દીપડો પાંજરે ન પૂરાય ત્યાં સુધી એકલા ઘરની બહાર ન નીકળે.
આ પણ વાંચો: