મોરબી : શહેરના પંચાસર રોડ પર ટ્રકની અડફેટે મહિલાનું મોત નીપજ્યું હતું. આ બનાવ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ ચલાવી હતી. જોકે મૃતકના પતિ દ્વારા ટ્રકચાલકે જાણી જોઈને ટ્રક હેઠળ પરિણીતાને કચડી હોવાની રજૂઆત કરી હતી. જેના પગલે પોલીસે હત્યાની કલમનો ઉમેરો કર્યો છે. જોકે તપાસ બાદ કેટલાક ચોંકાવનારા ખુલાસા છે.
અકસ્માતમાં મહિલાનું મોત : આ બનાવ અંગે મળતી વિગત અનુસાર ગત 31 જાન્યુઆરીના રોજ પંચાસર રોડ પર ગીતા ઓઈલમીલ આગળ રાધા ક્રિષ્ના સોસાયટી પાસે GJ 01 Ax 3888 નંબરના ટ્રકથી એક મહિલાને ટક્કર વાગી હતી. ટ્રકચાલકે પુરઝડપે ટ્રક ચલાવી મહિલાને અડફેટે લેતા ગંભીર ઈજાને પગલે મહિલાનું મોત નીપજ્યું હતું. આ બનાવ બાદ ટ્રકચાલક નાસી ગયો હતો.
મૃતકના પતિનો આરોપ : આ બનાવ અંગે મૃતકના પતિ ફરિયાદી રમણીક ડાભીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે CCTV કેમેરાના ફૂટેજ ચેક કરતા ટ્રકચાલક અમૃતલાલ કેશુભાઈ ચૌહાણ હોવાનું ખુલ્યું હતું. આ બનાવ મામલે પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી. જોકે તપાસ બાદ સામે આવેલી વિગતથી બનાવમાં મોટો વળાંક આવ્યો અને કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે.
આરોપી-ફરિયાદી પડોશી : જેમાં ફરિયાદી રમણીક ડાભી અને ટ્રકચાલક અમૃતલાલ એક જગ્યાએ રહેતા હતા. ફરિયાદી અને આરોપીના મકાનની એક જ દીવાલ હતી, જેનું ચણતર ત્રણેક વર્ષ પહેલા કર્યું હતું. જે તે સમયે ચણતર કામમાં સિમેન્ટની વપરાશ અને પાણી ઢોળવા બાબતે ફરિયાદી અને આરોપી વચ્ચે માથાકૂટ અને સામાન્ય બોલાચાલી થઈ હતી. જેથી બે માસ પૂર્વે આરોપી પોતાનું મકાન ભાડે આપી અન્ય જગ્યાએ રહેવા જતો રહ્યો હતો.
અકસ્માત કે હત્યા ? આરોપીના પત્નીને કેન્સરની બીમારી હતી અને દીકરી ચાર વર્ષથી રિસામણે હોવા સાથે ઘરમાં આર્થિક સ્થિતિ નબળી હતી. ઉપરાંત આરોપી અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરતો હોવાથી તે જે મકાનમાં રહેતા હતા ત્યાં આસપાસ કોઇ નડતરરૂપ હોવાની શંકા તેના મનમાં દ્રઢ થઈ હતી. ગત 31 જાન્યુઆરીના રોજ સવારના અગિયાર વાગ્યે ફરિયાદીના પત્ની કોઈ કારણોસર બહાર ગયા હતા. ત્યારે આરોપીએ ટ્રક ચાલુ કરી લીવર આપી એકદમ ફૂલ સ્પીડમાં ફરિયાદીના પત્નીને મારી નાખવાના ઈરાદે ટ્રક ચડાવી મોત નિપજાવ્યું હતું.
આરોપી જેલ હવાલે : આ મામલે A ડીવીઝન પોલીસે IPC કમલ 302 નો ઉમેરો કરવા કોર્ટમાં રિપોર્ટ આપ્યો હતો. આ રિપોર્ટ કોર્ટે ગ્રાહ્ય રાખી હુકમ કરતા હત્યાની કલમનો ઉમેરો કરી 63 વર્ષીય આરોપી અમૃતલાલ કેશુભાઈ ચૌહાણને પોલીસે ઝડપી લીધો હતો. હાલ આરોપીને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મંજૂર કરવામાં આવતા જેલ હવાલે કરવામાં આવ્યો છે.