જામનગર: જામનગરમાં એક હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા અધિકારી સાયબર ક્રાઈમનો શિકાર બની છે. આ ઘટનામાં ગંગા સ્કુલ પાસે રહેતા અને આયુર્વેદ હોસ્પિટલમાં નોકરી કરતા વર્ષાબેન રમણીકલાલ સોલંકી (ઉ.વ.58) એ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવાયા અનુસાર ગત તારીખ 20 જૂન 2024ના રોજ અજાણ્યા મોબાઈલ નંબર પરથી તેણીને પહેલો કોલ આવ્યો હતો અને તેઓએ ઇન્દીરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટમાંથી કસ્ટમ ઓફીસર આશીષ શર્મા તરીકે ઓળખ આપી હતી. જેમાં કહ્યું કે મારી ઓફીસ ઈન્દીરાગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ નંબર 3 ઓફીસ નંબર 122 માં તમારા આધારકાર્ડ નંબર વાળુ એક પાર્સલ આવ્યું છે. જેનું શીપીંગ લોકેશન દીલ્લીથી કબોડીયા છે.
તારીખ 20 જૂન 2024ના રોજ DHL કુરીયરમાંથી પાર્સલ મોકલેલ છે. આ કુરીયરમાં આઠ ટાવેલિંગ પાસપોર્ટ, પાંચ ક્રેડીટ કાર્ડ, 170 ગ્રામ એમ.ડી.એમ.એ. તથા 45,000 રોકડા છે. આથી તમે દિલ્હી ક્રાઈમ બ્રાંચની ઓફીસે 2 કલાકમાં પહોંચી અને તેમને જાણ કરો. આથી મહિલાએ કહ્યું કે હું જામનગર રહુ છું અને હું 2 કલાકમાં ત્યાં ન પહોચી શકું. જેથી આરોપીએ કોન્ફરસ કોલમાં દિલ્હી ક્રાઈમ બ્રાંચના નામે કોઈ સાથે વાત કરાવી ત્યારબાદ સાંજે 5 વાગ્યે અજાણ્યા નંબરમાંથી મહિલાના મોબાઈલ નંબરના વોટસએપ પર નિવેદન લખાવવા માટે વિડીયો કોલ આવ્યો હતો.
આધારકાર્ડ પરથી બેંક એકાઉન્ટ ખુલ્યા: વીડીયો કોલમા વસંતકુંજ દિલ્હીનું પોલીસ સ્ટેશન બનાવ્યું હતું અને કહ્યું હતું કે હું કોન્સટેબલ યશદીપ મોદી બોલુ છું. આ વ્યકિતએ આધાર નંબર ચેક કરાવ્યો હતો અને આ વાતચીત સાંભળી બાદમાં અમારા એચ.ડી.એચ.સી.બેંક તથા એસ.બી.આઈ. તથા આઈ.સી.આઈ.સી.આઈ. બેંક તથા એકસીસ બેંકમાં કર્ણાટક, દિલ્હી, પંજાબ, તમીલનાડુ અને મહારાષ્ટ્રમાંથી આ આધારકાર્ડ પરથી બેંક એકાઉન્ટ ખુલ્યા હોવાનું કહ્યું હતું. આમ મારું આધારકાર્ડ મનીલોન્ડરીંગ તથા હયુમન ટ્રાફીકીગમાં વાપરવામાં આવ્યું છે. અને તમે અમારા વિડીયો કોલીંગથી સર્વેલન્સમાં છો. તેમ કહ્યું હતું.
15 લાખ રૂપિયાની ઠગાઈ: ત્યારબાદ તારીખ 21 જૂન 2024ના રોજ સવારે 9:30 વાગ્યે સભોધકુમાર જેયશ્વાલ મુંબઈ પોલીસ ભુતપુર્વ કમીશ્નરના નામથી કોઈ અજાણી વ્યક્તિ કોન્ફરન્સમાં વીડીયો કોલમાં આવ્યા હતાં. અને તેઓએ મને અનેક પ્રશ્નનો કર્યા હતા. કહ્યું કે તમારે આર.બી.આઈ.વેરીફીકેશન કરાવવુ જોઈશે. બાદમાં મારા વોટસઅપમાં આર.બી.આઈ.નો એક લેટર આવ્યો હતો. ત્યારબાદ વીડીયો કોન્સફરન્સમાં સુબોધકુમાર જેયશ્વાલ નામના વ્યકિતએ જણાવેલ કે આર.બી.આઈ. વેરીફીકેશન કરાવવું જરૂરી છે. તમારા રૂપિયા આર.બી.આઈ. એક એકાઉન્ટ નંબર મોકલશે તેમા તમારા 15 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દેજો તમને પાછા પરત મળી જશે.
ફરિયાદ નોંધાઈ: તેવુ જણાવતા મેં કહ્યું કે ખાતા નંબર આવશે એટલે હું કરી દઈશ. બાદમાં નંબર આવતા રૂપિયા 15,00,000 ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં તેઓએ દિલાસો આપ્યો હતો કે તમે મનીલોન્ડ્રીંગ કે અન્ય કોઇ ગુન્હામા સંડોવાયેલા નથી. તેવુ સર્ટી તથા રૂપિયા તમને પરત મળી જશે તેવુ એ વ્યક્તિ દ્વારા કહેવામાં આવ્યું હતું. બાદમાં 1930 નંબરમાં ફરિયાદ કરી હતી. આમ આરોપીઓએ ખોટી ઓળખ આપી છેતરપિંડી કરી હતી. જે મામલે પોલીસ ફરિયાદ બાદ હાલ આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાનું સામે આવ્યું છે.