જૂનાગઢ : 15 નવેમ્બર એટલે કે દેવ દિવાળી બાદ સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં શિયાળાની ઠંડીનો અહેસાસ થઈ શકે છે, આ શક્યતા જૂનાગઢ કૃષિ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હાલ દિવસનું તાપમાન 36 થી લઈને 38 ડિગ્રી સુધી સતત જોવા મળે છે, જેને કારણે દિવસ દરમિયાન અકળાવનારી ગરમી, તાપ અને ઉકળાટનો સામનો કરવો પડી રહ્યો છે.
ક્યારથી થશે શિયાળાની શરૂઆત : આગામી બે ત્રણ દિવસમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. ત્યારબાદ 15 નવેમ્બર એટલે કે દેવ દિવાળી બાદ દિવસના તાપમાનમાં ઘટાડો થવાની સાથે જ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં શિયાળાની ઠંડીનો અહેસાસ થઈ શકે છે. આવી શક્યતા જૂનાગઢ કૃષિ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
તાપ અને ઉકળાટનું કારણ શું ? હાલ દિવસનું તાપમાન 36 ડિગ્રીથી લઈને 38 ડિગ્રી સુધી જોવા મળે છે. જેના કારણે દિવસ દરમિયાન બફારો અને આકરો તાપ અને ઉકળાટ જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને દરિયાઈ પટ્ટી વિસ્તારમાં સરેરાશ કરતા પણ અતિભારે વરસાદ પડ્યો છે. જેને કારણે હજુ પણ વાતાવરણમાં ભેજનું પ્રમાણ સતત જળવાયેલું જોવા મળે છે. પરંતુ જેમ જેમ દિવસો આગળ વધતા જશે તેમ તેમ વાતાવરણમાંથી ભેજનું પ્રમાણ ઓછું થશે, જેના કારણે શિયાળાની અસલ ઠંડીનો અહેસાસ લોકોને થશે.
સરેરાશ તાપમાનનું પ્રમાણ : શિયાળાની ઋતુને અનુલક્ષીને નવેમ્બર મહિનામાં 30 ડિગ્રી સુધીનું સરેરાશ તાપમાન હોય છે. હાલમાં તેનાથી ચારથી પાંચ ડિગ્રી વધુ તાપમાન છે. શિયાળામાં ભેજનું પ્રમાણ નહિવત જોવા મળતા ઠંડીનો અહેસાસ થતો હોય છે. અત્યારે અતિભારે વરસાદને કારણે ભેજનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે, તેમાં આગામી 15 તારીખ સુધી અને ત્યારબાદ ક્રમશઃ ઘટાડો થશે. જેના કારણે શિયાળાની અસલી ઠંડી પણ જોવા મળશે.