સુરત: ગુજરાત સહિત સુરત જિલ્લામાં દિન પ્રતિદિન આપઘાતના બનાવો વધી રહ્યા છે. નજીવા કારણોસર લોકો આપઘાત કરી જીવન ટુંકાવી રહ્યા છે. ત્યારે વધુ એક આપઘાતની ઘટના સામે આવી હતી.
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નનસાડ ગામે આવેલ વ્રજનાદ સોસાયટીના વિભાગ -2માં ઘર નબર 16માં રહેતા નવનીત ભાઈ કુંજબિહારી તિવારી જે મૂળ બિહાર રાજ્યના વાતની છે. તેઓના લગ્ન 11 વર્ષ અગાઉ નેહા કુમારી નામની યુવતી સાથે થયા હતા. અત્યારે તેઓની 11મી લગ્નની વર્ષગાંઠ હોવાથી નવનીતની પત્ની નેહા કુમારીએ બહાર ફરવા તેમજ જમવા જવાની વાત કરી હતી. જેના વળતાં જવાબ તરીકે પતિ નવનીતએ કારણ આપ્યું હતુ કે, છેલ્લાં બે મહિનાથી એમ્રોડરી મશીન બંધ છે અને આપણે બન્ને લાંબી મુસાફરી કરીને થાકી ગયા છીએ. આથી બહાર નથી જવું કહી તેઓએ વાત ટાળી નાખી અને કામ પર નીકળી ગયા હતા.
નજીવી બાબતે જીવન ટૂંકાવ્યું: પતિની આ વાતનું માઠું લાગતાં 27 વર્ષીય નેહા કુમારીએ આપઘાત કરી લીધો હતો. સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવી હતી. હાલ કામરેજ પોલીસે મૃતક પરિણીતાના પતિ નવનીત તિવારીની ફરિયાદ લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આકસ્મિક મોતનો ગુનો: કામરેજ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ અર્જુનએ જણાવ્યું હતું કે, મૃતકની ઉંમર 27 વર્ષ છે. અને તેણીએ અનાજમાં નાખવાની દવા પી આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ આકસ્મિક મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી અરવામાં આવી રહી છે.