ખેડા: જીલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી હાથતાળી આપ્યા બાદ મેઘરાજા મહેરબાન થયા છે. નડીયાદ, મહુધા, વસો, મહેમદાવાદ સહિતના તમામ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.
નડીયાદમાં પાણી ભરાયા: રાતથી સતત વરસાદને પગલે નડિયાદ શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. શહેરના ચારેય ગરનાળા વરસાદી પાણીથી જળબંબાકાર થઈ ગયા હતા. શહેરમાં વરસેલા વરસાદના કારણે પીજ રોડ, વાણિયાવડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા તેમજ શ્રેયસ અને વૈશાલી તથા માઈ મંદિર, ખોડિયાર અન્ડર બ્રીજમાં પાણી ભરાવાને કારણે શહેર બે ભાગમાં વહેંચાઇ ગયું હતું. શહેરમાં પૂર્વથી પશ્ચિમ તરફનો વાહન વ્યવહાર ખોરવાયો હતો. સાથે જ જનજીવન પ્રભાવિત થયું હતું.
ખેડા જીલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન થયેલો વરસાદ:
- નડિયાદ: 4.6 ઇંચ (118mm)
- વસો: 3.5 ઇંચ (89mm)
- મહુધા: 2.8 ઇંચ (73mm)
- મહેમદાવાદ: 1.3 ઇંચ (33mm)
- ખેડા: 1.2 ઇંચ (32mm)
- કપડવંજ: 1 ઇંચ (26mm)
- માતર: 1 ઇંચ (25mm)
- કઠલાલ: 0.9 ઇંચ (24mm)
- ગળતેશ્વર: 0.6 ઇંચ (15mm)
- ઠાસરા: 0.3 ઇંચ (9mm)
ધરતીપુત્રો આનંદિત: જીલ્લામાં ચોમાસાના શરૂઆતથી જ કેટલાય વિસ્તારોમાં વરસાદ હાથતાળી આપતો રહ્યો છે.જેને કારણે વરસાદની ઘટ પ્રવર્તી રહી છે.વરસાદ નહિ થવાને કારણે ખેડુતોમાં પણ નિરાશા વ્યાપી હતી. ત્યારે હવે વરસાદની બીજી ઇનિંગની શરૂઆત થતાં ચોમાસું માહોલ જામ્યો છે. જેને કારણે ખેડુતોમાં આનંદની લાગણી ફેલાઈ છે.