સુરત: રાજકોટમાં ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ સફાળા જાગેલા વહીવટી તંત્રએ ફાયર સેફટીના મુદ્દે તરસાડી અને કોસંબામાં વ્યાપક પ્રમાણમાં તપાસ હાથ ધરી છે. જે અંતર્ગત દક્ષિણ ગુજરાતના પ્રતિષ્ઠિત કે. એમ ચોક્સી જ્વેલર્સ શોરૂમને સીલ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત એક મલ્ટિપ્લેક્સ સિનેમા, બે ઇલેક્ટ્રોનિકની દુકાન, એક ફર્નિચરના શોરૂમ તેમજ સ્કીમ ચાર રસ્તા હોસ્પિટલ અને ફૂડ મોલને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
બીજી તરફ તરસાડીમાં વેપારીઓ દ્વારા સીલ મારવાની કાર્યાહી સામે ભારે નારાજગી જોવા મળી હતી. ફાયર અને સેફટી મુદ્દે નગરપાલિકા દ્વારા યોગ્ય માર્ગદર્શન અપાયું ન હોય અને નીતિ નિયમોની જાણકારી ન હોવાનું જણાવી વેપારીઓ પોતાના બચાવ કર્યો હતો. જોકે, કોસંબામાં વેપારીઓ દ્વારા કાર્યવાહીની બીકના પગલે પોતાના ધંધા રોજગાર બંધ કરી દીધા હતા.
માંડવી પ્રાંત અધિકારી કૌશિક જાદવએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં થયેલા અગ્નિકાંડને લઈને રાજ્ય સરકારની સૂચના મુજબ શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો સહિતની જગ્યાઓ પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. અલગ-અલગ ટીમો કામે લાગી હતી અને સ્થળ પર જઈને ફાયર NOC ચેક કરવામાં આવી હતી. જે પણ જગ્યાએ ફાયરની સુવિધાઓ ન હતી એ જગ્યાએ કાર્યવાહી કરવામાં આવી હતી.