કચ્છ : કચ્છ જિલ્લામાં અંદાજે 22 લાખ જેટલું પશુધન છે. કચ્છ જિલ્લામાં ઉનાળાની ઋતુમાં તાપમાન 40 ડિગ્રીથી 45 ડિગ્રી સુધી નોંધાતું હોય છે. આવી પરિસ્થિતિમાં પશુઓને ગરમીથી રક્ષણ મળે તે માટે તકેદારીના વિશેષ પગલાં લેવા જરૂરી બને છે. જિલ્લામાં હાલ દૂધ ઉત્પાદનમાં પણ 26 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.
- પશુઓ પર ગરમીની સૌથી વધુ અસર
ઉનાળાની કાળઝાળ ગરમી : ઉનાળાની કાળઝાળ ગરમીની સૌથી વધુ અસર બાંધી રાખેલ પશુઓ અને તેમના નાના વાછરડા કે પાડા-પાડીને થતી હોય છે. આ ઉપરાંત બીમાર અને ગાભણ પશુઓ, ગૌશાળા-પાંજરાપોળના વૃદ્ધ અને અશક્ત પશુ, બંધ વાહનમાં રાખેલ પાળતુ પશુ તથા ઊન ઉતારેલ ઘેટાઓ તેમજ ઉચ્ચ ઉત્પાદન ક્ષમતા ધરાવતા પશુઓને પણ હેરાનગતિ થતી હોય છે.
ભેંસ પર તાપની વધુ અસર : ખાસ કરીને ભેંસ જેવા પશુઓ કે જેમની કાળી ખુલ્લી ત્વચા તેમજ અલ્પ પ્રમાણમાં આવેલ પ્રસ્વેદ ગ્રંથીઓને કારણે ગરમી સહન કરવાની બહુ ઓછી ક્ષમતા ધરાવે છે. જેને લીધે આ પશુઓ પોતાનાં શરીરનું તાપમાન જાળવી રાખવા બપોર સમયે તળાવ અને ખાબોચિયાનાં પાણીમાં કે કાદવમાં રહેવાનું વધારે પસંદ કરતા હોય છે.
- પશુધનની શું કાળજી લેશો ?
કચ્છ જિલ્લા નાયબ પશુપાલન અધિકારી ડો. હરેશ ઠક્કરે ETV Bharat સાથે ખાસ વાતચીત કરી ઉનાળામાં દૂધાળા પશુઓની સ્થિત અને તેમની કાળજી અંગે માહિતી આપી હતી. ડો. હરેશ ઠક્કરે જણાવ્યું હતું કે, આગામી સમયમાં તાપમાન હજી ઊંચું જવાની સંભાવના છે. ત્યારે પશુઓને ઉગ્ર તાપથી બચાવી દૂધનું ઉત્પાદન જાળવી રાખવું જરૂરી છે.
યોગ્ય આહાર અને છાંયડો : પશુઓ માટે છાંયડો, પીવાનું પાણી, યોગ્ય આહાર અને વ્યવસ્થાપન પદ્ધતિ પ્રત્યે વિશેષ ધ્યાન આપવું જરૂરી બને છે. પશુ આહારમાં લીલો ચારો, મિનરલ મિક્ષચર અને વિટામિન્સ સપ્લીમેન્ટ આપવા જોઈએ જેથી ઉત્પાદન જળવાઈ રહે. તેમજ પીવા માટે પર્યાપ્ત માત્રામાં શુદ્ધ તેમજ ઠંડા પાણી આપવું જોઈએ.
રહેઠાણ કે તબેલામાં શું કરશો ? પશુપાલકોએ પશુ રહેઠાણની છત કે છાપરાને ઘાસ કે પરાળથી ઢાંકવું જોઈએ, જેથી બપોરના સમયે પશુ પર સીધો સૂર્યપ્રકાશ ન આવે. આ ઉપરાંત તબેલામાં સ્પ્રિંકલરથી કે અન્ય રીતે પાણીનો છંટકાવ કરવો, ભીના કોથળા બાંધવા જોઈએ. ખાસ કરીને પશુપાલકોએ પોતાના પશુઓને બપોરનાં વધુ ગરમીવાળા સમયે ખુલ્લા તાપમાં બહાર કાઢવાનું કે તડકામાં બાંધવાનું સંપૂર્ણપણે ટાળવું જોઈએ.
દૂધ ઉત્પાદનમાં ઘટાડો : સરહદ ડેરીમાંથી મળતી માહિતી મુજબ ઉનાળાના સમયગાળા પહેલા ડેરીમાં દરરોજ 5,42,000 લીટર દૂધ ભરાતું હતું, જ્યારે હાલમાં તાપમાનમાં વધારો થતા દૂધ ઉત્પાદન ઘટ્યું છે. હાલમાં દૈનિક 4,30,000 લીટર દૂધ ભરાય છે, એટલે કે 26 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. ત્યારે પશુપાલકોએ દુધાળા પશુઓને દોહવાનો સમય દિવસના ઠંડા કલાકો દરમિયાન રાખવો જોઈએ.
ગરમીની પશુ પર અસર શું ? આકરા તાપના લીધે પશુઓમાં હાંફવું, મોઢામાંથી લાળ પડવી, નાક સુકાઇ જવુ, શ્વાસોશ્વાસની ઝડપ વધી જવી, ખોરાક લેવાનું બંધ કરવું અને દુધાળા પશુના દુધ ઉત્પાદનમાં ઘટાડો થવો જેવા લક્ષણો જોવા મળતા હોય છે. આવા લક્ષણો દેખાય તો પશુપાલકે પશુને તરત છાંયડા અને ઠંડક વાળી જગ્યાએ ખસેડવા જોઈએ. તેમજ પશુના શરીર પર ભીનું પોતું કરવું, શક્ય હોય તો કૂલર કે પંખાની સુવિધા પણ રાખવી જોઈએ.
પશુની સારવાર ક્યાં કરાવશો ? આ ઉપરાંત નાયબ પશુપાલન નિયામકની માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત સંચાલિત પશુ દવાખાના ખાતે હિટ વેવથી અસરગ્રસ્ત પશુઓની સારવાર માટે જરૂરી દવાઓ પણ ઉપલબ્ધ છે. જેથી જરૂરિયાત મુજબ પશુપાલકોએ તાત્કાલિક દવાખાનાનો સંપર્ક કરી નિષ્ણાંત પશુ ચિકિત્સકની સલાહ લઈ પશુની સારવાર કરાવવી જોઇએ.