રાજકોટઃ બનાવની મળતી વિગત મુજબ રાજકોટ શહેરના ઢેબર રોડ પર શ્રમજીવી સોસાયટીમાં બેહરા મૂંગા સ્કૂલની સામે રહેતા ડો. જયેશભાઇ હંસરાજભાઈ ભૂત (ઉ.વ.71) કાલાવડ રોડ પર મેટોડા સ્થિત આવેલી પોતાની વાડીએ ફરવા ગયા હતા. જે બાદ ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતાં તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. જેથી પરિવારજનો મેટોડામાં આવેલી વાડીએ દોડી ગયા હતા અને તેમની તપાસ હાથ ધરી હતી.
અકસ્માતે ડેમમાં પટકાયા હોવાનું પોલીસનું પ્રારંભીક તારણ
દરમિયાન વાડી નજીક આવેલા ડેમમાં તપાસ કરતા તેમાંથી તબીબની લાશ મળી આવતા પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરતા દોડી આવેલી પોલીસની ટીમે જરૂરી કાગળો કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસ તપાસમાં તબીબ ડેમ નજીક ચક્કર લગાવતી વેળાએ સેલ્ફી લેવા જતા તેમનો પગ લપસ્યો હોવાનું સામે આવ્યું હતું. જેમાં તેઓ ડેમમાં પટકાતા તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થતા તેમનું મોત નિપજ્યાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. જોકે હજુ પોલીસ આ મામલામાં અન્ય તમામ પાસાઓ પર પણ તપાસ કરી રહી છે. આગામી સમયમાં પોલીસ નક્કર પુરાવાઓ સાથે આ મામલાના નિષ્કર્ષ પર પહોંચશે.
1978થી તેઓ કરતા હતા પ્રેક્ટિસ
મૃતક તબીબ એમબીબીએસ ડીસીએચની ડીગ્રી ધરાવતાં અને વર્ષ 1978થી સિનિયર પીડિયાટ્રિક તરીકે કામ કરતા હતા. તેઓને સંતાનમાં બે પુત્ર છે, જેઓ પણ તબીબ તરીકે પ્રેક્ટિસ કરે છે. રાજકોટના જાણીતા તબીબો પૈકીના એક જયેશભાઈ પણ અહીં સારી એવી નામના ધરાવતા હતા. તેમના અચાનક અવસાને પરિવાર સહિત અન્ય સંબંધીઓને પણ શોકમાં ગરકાવ કરી દીધા છે.