સુરત: એક બાજુ હવામાન ખાતાએ ભીષણ ગરમીની આગાહી દક્ષિણ ગુજરાતમાં કરી છે, ત્યારે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વહેલી સવારે હળવો વરસાદ નોંધાયો છે. આ વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના ખેડૂતો ચિંતિત થયા છે. માવઠાની અસરથી કેરીના પાકને નુકસાન થઈ શકે છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી તાપી અને ડાંગ જિલ્લામાં અચાનક જ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક જોવા મળી રહ્યો છે.
42 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના વચ્ચે વરસાદ : હવામાન ખાતાએ આગાહી કરી હતી કે આવનાર પાંચ દિવસમાં હીટ વેવ સાથે 42 ડિગ્રી તાપમાન રહી શકે છે. પરંતુ આ વચ્ચે સુરત સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પસરી છે. છેલ્લા ઘણા દિવસથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી લોકો છેલ્લા ઘણા દિવસથી દક્ષિણ ગુજરાતમાં ભીષણ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકાર ઊઠ્યા હતા. પરંતુ સુરત શહેરમાં અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સુરત શહેરના વેસુ ભટાર પાલ વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે.
ખેડૂતોમાં ભારે ચિંતા : માત્ર સુરત જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારીમાં પણ છૂટોછવાયો વરસાદ પડ્યો છે. વલસાડ જિલ્લા આમ તો કેરીના પાક માટે ઓળખાય છે પરંતુ આ માવઠાના કારણે કેરીના પાકને નુકસાન થઈ શકે એવી ભીતિ હાલ ખેડૂતોમાં જોવા મળી રહી છે. આ સાથે નવસારીના વાંસદા સહિતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ પડતા ચીકુ અને કેરીના પાકને પણ નુકસાન થઈ શકે છે. સાથે તાપી જિલ્લામાં પણ વરસાદ નોંધાયો છે. વાતાવરણમાં અચાનક જ આવેલા બદલાવના કારણે ખેડૂતો ચિંતિત છે.