રાજકોટ: જિલ્લામાં મહાનગરપાલિકા દ્વારા હવે ટીપી, બાંધકામ, ટેકસ સહિતની શાખાઓની જેમ ફાયર બ્રિગેડ શાખા માટે પણ વોર્ડ વિભાજન કરી દેવામાં આવ્યું છે. TRP ગેમઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ ફાયર બ્રિગેડનું વોર્ડ વાઇઝ વિભાજન કરવામાં આવ્યું છે. આમ જેતે વિસ્તારમાં વોર્ડવાઇઝ ફાયર સ્ટેશન ફાળવી દેવામાં આવ્યા છે. આથી કુદરતી આપત્તિ, હોનારત, આગ લાગવા જેવા બનાવોમાં હવે ચીફ ફાયર ઓફિસરની સૂચના મુજબ આ નવી પદ્ધતિથી કાર્યવાહી કરવામાં આવશે. ફાયર એનઓસી સહિતની પડતર કામગીરી માટે પણ ભવિષ્યમાં આ વોર્ડવાઇઝ વ્યવસ્થા લોકોને મદદરૂપ થઈ શકશે.
કચ્છ-ભુજ ખાતેનાં અનિલ મારૂને જવાબદારી આપી: રાજકોટનાં કાલાવડ રોડ નજીક આવેલા TRP ગેમઝોનમાં અગ્નિકાંડ સર્જાયો હતો. જેમાં 27 લોકોના મોત થયા હતા. જે ઘટનામાં ચીફ ફાયર ઓફિસર આઈ.વી. ખેર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સાગઠિયા પર ગુનો નોંધાયો હતો અને બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેના સ્થાને કચ્છ-ભુજ ખાતેનાં અનિલ મારૂને ચીફ ફાયર ઓફિસર તરીકેની જવાબદારી સોંપવમાં આવી છે. ત્યારે ચાર્જ સંભાળતાં જ તેમણે ફાયર વિભાગની કામગીરીને વોર્ડ વાઇઝ કરવા મહત્વનો નિર્ણય લીધો છે.
દરેક પ્રકારની કામગીરી વોર્ડ પ્રમાણે થશે: આ મુદ્દે તેમણે જણાવ્યું હતું કે, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખાના ફાયર સ્ટેશન દ્વારા કરવામાં આવતી તમામ પ્રકારની કામગીરી હવેથી વોર્ડ વાઈઝ કરવામાં આવશે. જેમાં કનક રોડ ફાયર સ્ટેશન ખાતે વોર્ડ નં.7 અને 14નો વિસ્તાર, કાલાવડ રોડ ફાયર સ્ટેશન ખાતેથી વોર્ડ નં. 8, 10 અને 11નો વિસ્તાર, બેડીપરા ફાયર સ્ટેશનમાં વોર્ડ નં. 5, 6 અને 15નો વિસ્તાર, મવડી ફાયર સ્ટેશન ખાતેથી વોર્ડ નં. 12 અને 13નો વિસ્તાર, રામાપીર ફાયર સ્ટેશન ખાતેથી વોર્ડ નં. 1 અને 9નો વિસ્તાર, કોઠારીયા ફાયર સ્ટેશન દ્વારા વોર્ડ નં. 16, 17 અને 18નો વિસ્તાર જ્યારે રેલનગર ફાયર સ્ટેશન દ્વારા વોર્ડ નં. 2 અને 3 નો વિસ્તાર ઉપરાંત ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા વોર્ડ નં. 4નાં વિસ્તારમાં કામગીરી કરવાની રહેશે. જોકે, કુદરતી આફત, હોનારત, ગંભીર આગ લાગવાના બનાવોમાં ચીફ ફાયર ઓફિસરની સુચના મુજબ કામગીરી કરવામાં આવશે.