નર્મદા : ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં યોજાયેલ એક કાર્યક્રમ દરમિયાન દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાના નામની જાહેરાત કરી હતી. ત્યારબાદ જાણે ભરૂચ લોકસભા બેઠકનો રાજકીય માહોલ ગરમાયો હોય એવું જોવા મળી રહ્યું છે. ભાજપ હોય કે કોંગ્રેસ, તમામ પાર્ટી એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહી છે.
ચૈતર વસાવાનું નિવેદન : આ વચ્ચે જેલમાંથી છૂટ્યા બાદ ચૈતર વસાવાએ પણ લોકસંપર્ક અને ચૂંટણી પ્રચારના કાર્યક્રમ શરૂ કર્યા છે. હાલ ચૈતર વસાવાએ લોકસંપર્ક દરમિયાન એક સભામાં વિવાદિત નિવેદન આપ્યું હતું. જેના પર ચર્ચાએ જોર પકડ્યું છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ નિવેદન કહ્યું હતું કે, ભરૂચ લોકસભા બેઠક પર નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી પણ લડે તો પણ આમ આદમી પાર્ટી જ વિજેતા થશે.
મનસુખ વસાવાની પ્રતિક્રિયા : ચૈતર વસાવાના આ નિવેદનને લઈને ભરૂચ લોકસભા મતવિસ્તારના સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. મનસુખ વસાવાએ કહ્યું કે, ચૈતર વસાવા મૂર્ખ છે. ઉપરાંત મનસુખ વસાવાએ ચેલેન્જ કરી કે કેજરીવાલ કે ઇસુદાન ગઢવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે વારાણસીથી ચૂંટણી લડી બતાવે.
'દુખે છે પેટ અને કૂટે છે માથું' મનસુખ વસાવાએ વધુમાં કહ્યું કે, ચૈતર વસાવા બોગસ નિવેદન કરે છે. એ નવો નિશાળીયો છે. ચૈતર વસાવાને દુખે છે પેટ અને કૂટે છે માથું, કોંગ્રેસ અને આપના ગઠબંધનની અકળામણ ચૈતર વસાવા ભાજપ પર ઢોળે છે. ગઠબંધનમાં બાળક જન્મે તે પહેલા નામકરણ કર્યું તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
મનસુખ વસાવાનો દાવો : અમારે ગઠબંધન સાથે કોઈ લેવા દેવા નથી. એમને જે કરવું હોય તે કરે, અમે તો અમારું ઘર સાંભળવા માટેની તૈયારી હાથ ધરી દીધી છે. આમ આદમી પાર્ટીના લોકસભાના ઉમેદવારો ડિપોઝિટ ગુમાવશે.