જૂનાગઢ: આગામી સાતમી તારીખે સમગ્ર દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યું છે. ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર એક જ દિવસે મતદાન હાથ ધરાશે ત્યારે જુનાગઢ સંસદીય મત વિસ્તારમાં મતદાનને લઈને લોકોમાં જનજાગૃતિ આવે મતદાનની ટકાવારીમાં વધારો થાય અને પ્રત્યેક મતદાર લોકશાહીના આ મહાપર્વને તેના મત થકી ઉજ્જવળ બનાવે તે પ્રકારની જનજાગૃતિ પ્રત્યેક મતદારમાં ઊભી થાય તે માટે આજે જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યુ હતું. જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં એકઠા થયેલા જૂનાગઢના 600 કરતાં વધુ મતદારોની રન ફોર વોટને જિલ્લા ચૂંટણી અધિકારીએ ફ્લેગ ઓફ આપ્યો હતો.
મતદાર જનજાગૃતિના કાર્યક્રમો: સાતમી તારીખે મતદાન યોજાશે તેને લઈને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા પણ સમગ્ર જૂનાગઢ લોકસભા બેઠક પર મતદાનની ટકાવારીને વધે તે માટેના અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું છે. લોકસભા મત ક્ષેત્રમાં આવતા પ્રત્યેક પર્યટન સ્થળોમાં પણ મતદાન જનજાગૃતિ થાય તે માટેના પ્રયાસો પાછલા ઘણા સમયથી શરૂ કરી દેવાયા છે. તો બીજી તરફ ગિરનાર જંગલ વિસ્તારમાં પણ જ્યાં મતદાન મથકો આવેલા છે ત્યાં પણ પ્રત્યેક મતદાર તેના મત અધિકારનો ઉપયોગ કરે તે માટે પણ કામ થઈ રહ્યું છે. મતદાનના દિવસે ગરમીની શક્યતાઓ પણ ખૂબ વધુ છે. આવા સમયે મતદાન માટે આવતા પ્રત્યેક મતદારને કોઈ પણ તકલીફ ન પડે તે માટેનું આયોજન પણ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા કરવામાં આવ્યું છે.