જુનાગઢઃ જુનાગઢમાં પાછલા ઘણા વર્ષોથી બ્લડ બેન્ક સેવા પૂરતી પૂરી પાડતી સર્વોદય બ્લડ બેન્ક દ્વારા માનવ હિત ખાતર સેવાનો એક અનોખું અભિયાન પાછલા 14 વર્ષથી શરૂ કરવામાં આવ્યું છે. વર્ષ દરમિયાન જૂનાગઢ સોનાપુરી સ્મશાન ખાતે અંતિમવિધિ કરેલા તમામ મૃતાત્માઓના અસ્થિઓને એકત્ર કરીને ગંગાઘાટ હરિદ્વાર ખાતે ધાર્મિક પૂજન અને વિધિ વિધાન સાથે વિસર્જન કરવાનું કાર્ય પણ કરી રહ્યું છે.
સર્વોદય બ્લડ બેન્ક રક્તદાનની સાથે માનવસેવાનું કામ
જુનાગઢમાં આવેલી સર્વોદય બ્લડ બેન્ક દ્વારા પાછલા ઘણા વર્ષોથી રક્તદાનની સેવાઓ જિલ્લાના તમામ લોકોને પૂરી પાડવામાં આવી રહી છે ત્યારે પાછલા 14 વર્ષથી બ્લડ બેન્કની સાથે જુનાગઢ શહેરમાં આવેલા સોનાપુરી સ્મશાનમાં જે વ્યક્તિઓનું અવસાન થયા બાદ તેની અંતિમ વિધિ કરવામાં આવે છે. આ તમામ મૃતાત્માઓના અસ્થિઓને સમગ્ર વર્ષ દરમિયાન એકત્રિત કરીને એકઠા થયેલા તમામ અસ્થિઓને ગંગાઘાટ હરિદ્વાર ખાતે ધાર્મિક વિધિવિધાન અને પૂજન સાથે પ્રત્યેક મૃતાત્માઓને મોક્ષ મળે તેવી માનતા પ્રમાણે તે માટે ગંગા નદીમાં અસ્થિઓને પ્રવાહીત કરવાનું માનવસેવાનું કામ પણ સર્વોદય બ્લડ બેન્ક દ્વારા કરવામાં આવી રહ્યું છે.
9000 ની આસપાસ અસ્થિનું વિસર્જન
જુનાગઢમાં આવેલું સોનાપુરી સ્મશાન ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્વનું માનવામાં આવે છે. જુનાગઢ જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રની સાથે રાજ્યના કેટલાક વ્યક્તિઓની અંતિમ ઈચ્છા અનુસાર તેમની અગ્નિસંસ્કાર વિધિ ગિરનારમાં આવેલા સ્મશાનમાં થાય તેને લઈને પણ વર્ષ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં મૃતાત્માઓને અંતિમ વિધિ માટે જુનાગઢ લાવવામાં આવતા હોય છે. ત્યારે પાછલા એક વર્ષ દરમિયાન જુનાગઢ સ્મશાનમાં અંદાજિત નવ હજાર જેટલા અવસાન પામેલા વ્યક્તિઓની અંતિમ વિધિ કરવામાં આવી છે, જે તમામના અસ્થિઓને રવિ, સોમ અને મંગળ ત્રણ દિવસ સુધી આઝાદ ચોકમાં આવેલા સર્વોદય બ્લડ બેન્કના પટાંગણમાં સમગ્ર જુનાગઢવાસીઓ અસ્થીઓના દર્શન કરી શકે તે માટે દર્શનાર્થે રાખવામાં આવ્યા છે. 18મી તારીખે સવારે તમામ અસ્થિ સાથેનો કુંભ જુનાગઢથી હરિદ્વાર ખાતે જવા રવાના થશે. જ્યાં 21 તારીખ અને શનિવારના દિવસે સનાતન ધર્મની પરંપરા અનુસાર શાસ્ત્રોક્ત વિધિ મુજબ તમામ અસ્થીઓનું પૂજન કર્યા બાદ તેને ગંગામાં પ્રવાહીત કરવામાં આવશે.