જૂનાગઢ: ચોરવાડ ખાતે અંબાણી પરિવાર નો ભોજન સમારોહ યોજાયો હતો. જેમાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિમલ ચુડાસમાએ આગામી ચૂંટણીને લઈને તેમજ તેમના ભાજપના પ્રવેશને લઈને જણાવ્યું હતું કે તેમની ભાજપમાં જોડાવાની તમામ અટકળો પાયા વિહોણી છે હું ક્યારેય ભાજપમાં જોડાવાનો નથી, પાર્ટી એ ઘણું બધું આપ્યું છે પાર્ટી માટે સતત કામ કરતો રહીશ.
વિમલ ચુડાસમા ભાજપમાં જોડાવાની તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકતાં જણાવ્યું હતું કે હું ક્યારેય ભાજપમાં જોડાવાનો નથી. ભાજપે મને પાર્ટીમાં લેવા માટેના અનેક પ્રયાસો કર્યા. પરંતુ વિમલ ચુડાસમા આજે પણ કોંગ્રેસમાં છે અને આવનારા સમયમાં પણ કોંગ્રેસના એક સૈનિક તરીકે કોઈ પણ પરિસ્થિતિમાં કામ કરતો જોવા મળશે તેવો દાવો વિશ્વાસ સાથે કર્યો હતો.
વિમલ ચુડાસમાએ ભાજપ પર નિશાન સાધ્યું હતું અને જે લોકો કોંગ્રેસ માંથી ભાજપ માં જોડાયા છે અને જે લોકો જોડાવા માટે વિચાર કરી રહ્યા છે તેવા તમામ લોકોને નબળા હૃદયના ગણાવીને વિમલ ચુડાસમાએ તેમને પણ ઝાટકી નાખ્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વિમલ ચુડાસમા આ વિસ્તારનો સિંહ છે અને સમગ્ર લોકસભામાં એક સિંહ કાફી છે. આવી ખુમારી સાથે વિમલ ચુડાસમાએ ભાજપની સાથે ભાજપમાં જોડાયેલા તમામ નેતા અને કાર્યકરોની જાટકણી પણ કાઢી હતી.