બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં વાવ વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સાંસદ સભ્યની ચૂંટણીમાં વિજેતા બનતા વાવ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકેનું રાજીનામું આપ્યા બાદ આજે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે આગામી 13 નવેમ્બરના રોજ ચૂંટણી જાહેર કરી છે જેને લઇ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ દ્વારા ચૂંટણી જીત માટે જણાવી રહ્યા છે.
હંમેશા રાજકીય ખેંચતાણ ધરાવતી બનાસકાંઠા ચૂંટણીઃ બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી હંમેશા રસપ્રદ રહેતી હોય છે, તેમાંય વળી ખાસ કરીને સરહદી વિસ્તારના તાલુકાઓની ચૂંટણી તો હંમેશા કશા કશી પરી હોય છે. ત્યારે ચાલુ વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લામાં વાવ વિધાનસભાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા. જે બાદ લોકસભાના પરિણામમાં બનાસકાંઠા જિલ્લાની સીટ પરથી લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર વિજેતા બન્યા હતા. લોકસભાના સાંસદ તરીકે વિજેતા બનતા ગેનીબેન ઠાકોરે વાવ વિધાનસભા બેઠક પરથી રાજીનામું આપ્યું હતું. જેને લઇ છેલ્લા ઘણા સમયથી વાવ વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજાવવાની લઈ અનેક અટકળો ચાલી રહી હતી.
કઈ તારીખે થશે ચૂંટણી, ક્યારે પરિણામ? આજે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે તારીખ જાહેર કરી હતી. જેમાં આગામી 13 નવેમ્બરના રોજ વાવ વિધાનસભા બેઠક પર મતદાન યોજાશે અને 23 નવેમ્બરે પેટા ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.
રાજકીય પક્ષોમાં હલચલ શરૂઃ વાવ વિધાનસભા બેઠક પર ચૂંટણી જાહેર થતાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ પોતાના ઉમેદવારને વિજય બનાવવા માટે જણાવી રહ્યા છે, વર્ષ 2017 અને વર્ષ 2022 માં વાવ વિધાનસભા બેઠક પર સ્થાનિક લોકોએ ગેનીબેન ઠાકોરને ધારાસભ્ય તરીકે વિજય બનાવ્યા છે પરંતુ હવે આ બેઠક પર ગેનીબેન ઠાકોરની જગ્યાએ કોંગ્રેસમાંથી અન્ય કોઈ ઉમેદવાર મેદાનમાં હશે ત્યારે હવે લોકો અત્યાર સુધી જે ગેનીબેન ઠાકોર કાર્યભાર સંભાળે તેવી ચાહના રાખતા હતા, તે કઈ દિશામાં જશે તે તો આવનારો સમય બતાવશે. પરંતુ અત્યારે તો ચૂંટણી જાહેર થતાની સાથે જ વાવ વિધાનસભા બેઠકના લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અત્યારે ભાજપના આગેવાનો હોય કે પછી કોંગ્રેસના આગેવાનો તમામ લોકો પેટા ચૂંટણી જાહેર થતાની સાથે જ પોતાના પક્ષને મજબૂત રીતે જીત માટે કામ કરવા તૈયાર થઈ ગયા છે. ત્યારે અત્યારે તો ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ આજથી વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે કામે લાગી જશે ત્યારે હવે જોવાનું એ રહેશે કે વર્ષ 2017 અને વર્ષ 2022 ની જેમ ફરી એકવાર વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસનો પંજો રહે છે કે પછી આ વખતે કોંગ્રેસના અન્ય ચહેરા સામે ભાજપ બાજી મારી જાય છે.
શું કહે છે ગેનીબેન ઠાકોર? રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજે બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભાની જે ખાલી પડેલી બેઠક હતી. તેની પેટા ચૂંટણી માટે આગામી 13 નવેમ્બર ચૂંટણી યોજવા માટે જાહેર કરી છે. 13 નવેમ્બરના દિવસે થનાર ચૂંટણીને લઇ બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, વર્ષ 2017 અને વર્ષ 2022 માં જે રીતે કોંગ્રેસ પક્ષને વાવની જનતાએ વિજય બનાવ્યા છે તે રીતે જ આ પેટા ચૂંટણીમાં કોઈપણ ઉમેદવાર આવશે તેને વાવની જનતા ચોક્કસપણે વિજય બનાવશે. વધુમાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, કોંગ્રેસ હાઈકમાન્ડ જે પણ ઉમેદવાર વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે મેદાનમાં ઉતારશે તેને કોંગ્રેસ પક્ષના તમામ નેતાઓ ભેગા મળી વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં વિજય બનાવશે.
ગેનીબેન સામેના ભાજપના પૂર્વ ઉમેદવાર સ્વરૂપજીએ શું કહ્યું? વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઇ 2022 વાવ વિધાનસભાના ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે, ભાજપ જેને પણ ઉમેદવાર તરીકે મૂકશે તેને અમે બધા ભેગા મળીને જંગી બહુમતીથી જીતાડીશું લોકસભાની ચૂંટણીમાં પણ વાવ વિધાનસભામાંથી ભાજપને જંગી બહુમતી મળી હતી. એટલે વાવની જનતા ભાજપની સાથે આ વખતે પેટા ચૂંટણીમાં રહેશે આ પેટા ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવારને જીતાડીને ગાંધીનગર મોકલીશું સ્વરૂપજી ઠાકોર વર્ષ 2022 માં વાવ વિધાનસભામાંથી ભાજપ પક્ષ તરફથી ચૂંટણી લડ્યા હતા પરંતુ ગેનીબેન ઠાકોર સામે તેમની હાર થઈ હતી. ત્યારે હવે પેટા ચૂંટણીમાં જે પણ ઉમેદવાર ભાજપમાંથી આવશે તેમને જીતરવા માટે આહવાન કર્યું હતું. આમ અત્યારે તો પેટા ચૂંટણી જાહેર થતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ જીત માટે જણાવી રહ્યા છે.
વાવમાં ઉમેદવારોના નામની ચર્ચાઃ વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના સંભવિત ત્રણ ઉમેદવારોના નામની ચર્ચા જોરમાં છે. જે ત્રણ નામોમાં પ્રથમ નામ કે. પી. ગઢવી, બીજુ નામ ગુલાબસિંહ રાજપૂત અને ત્રીજુ નામ છે ઠાકરશીભાઈ રબારી. આમ તો આ ત્રણેય ઉમેદવારો અલગ અલગ સમાજના છે, પરંતુ ગેનીબેનની જીત પછી કોંગ્રેસ જાતિગત સમીકરણોને બાજુએ મૂકીને તેમની જીતની વેવને ફરી એનકેશ કરવા પર વધુ ભાર આપી શકે છે. જિલ્લામાં ચાલેલી ગેનીબેનની લહેર અને વાવ બેઠક પર કોંગ્રેસે રચેલો જીતનો ઈતિહાસ કોંગ્રેસના મૌવડી મંડળ માટે મોખરે રહેશે.
આ બેઠકનો રાજકીય ઈતિહાસ
1998થી 2022 સુધી યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામ વિશે વાત કરીએ તો 1998માં કોંગ્રેસના ઉમેદવાર હેમાજી રાજપૂત જીત્યા હતા. તો વર્ષ 2002માં પણ કોંગ્રેસ તેમને રિપીટ કરતા હેમાજી રાજપૂતએ ફરી જીતનો પરચમ લહેરાવ્યો હતો. જોકે, વર્ષ 2007માં ભાજપે કોંગ્રેસની આ બેઠક છીનવી લીધી હતી. 2007માં ભાજપના ઉમેદવાર પરબત પટેલનો અને 2012માં ભાજપના શંકર ચૌધરીનો વિજય થયો હતો. 2017 અને 2022માં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો વિજય થયો હતો.
વાવ બેઠકના જાતિગત સમીકરણો
આ બેઠક પર અંદાજિત જાતિકરણ સમીકરણો તપાસીએ તો ઠાકોર સમાજના 27.4 ટકા, ચૌધરી પટેલ 16.3 ટકા, દલિત 11.9 ટકા, બ્રાહ્મણ 9.1 ટકા, રબારી 9.1 ટકા મતદારો છે. કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક પર આ ચૂંટણીમાં ભારે રસાકસીનો જંગ જોવા મળી શકે છે.