બનાસકાંઠાઃ વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસે થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતના નામની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કોંગ્રેસ પાર્ટી દ્વારા થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતને ટિકિટ આપવામાં આવતા તેમના સમર્થકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
કોણ છે ગુલાબ સિંહ રાજપૂત ?: ગુલાબસિંહ સુઈ તાલુકાના અસારવા ગામના વતની છે, તેઓ પૂર્વ ધારાસભ્ય હેમુભા રાજપૂતના પૌત્ર છે અને વર્ષ 2019માં ગુલાબ સિંહ થરાદ બેઠક પર જીત્યા હતાં. ગુલાબ સિંહ યુથ કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચુક્યા છે તેમજ વર્ષ 2022માં થરાદ વિધાનસભા બેઠક પર ભાજપના શંકર ચૌધરી સામે હાર્યા હતાં.
13 નવેમ્બરે વિધાનસભાની પેટા ચૂંટણી: વાવ બેઠક પરથી ધારાસભ્ય રહેલા ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પરથી ચૂંટણી લડીને જીતતા વાવ વિધાનસભા બેઠક ખાલી પડી છે. હવે આ બેઠક પર આગામી 13 નવેમ્બરે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવવા જઇ રહી છે ત્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતના નામની સત્તાવાર જાહેરાત કરીને પોતાના પત્તા ખોલી નાખ્યાં છે.
જોકે, ભાજપ જાણે કોંગ્રેસના ઉમેદવારના નામની જાહેરાતની રાહ જોઈને બેઠી હોય તેમ ગુલાબસિંહ સામે સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. વાવ બેઠક કોંગ્રેસ માટે જાળવી રાખવી એ પડકાર સમાન છે જયારે લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક ગુમાવ્યા બાદ ભાજપ માટે આ બેઠક જીતવી પ્રતિષ્ઠાનો સવાલ બની ગયો છે.
અપક્ષ ઉમેદવારો બગાડી શકે છે ગણિતઃ વાવ બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છે, અને પોતાના ગઢને જાળવી રાખવા કોંગ્રેસ શક્ય તમામ જોર લગાવી રહ્યું છે. ભાજપ કોંગ્રેસની સાથે વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે અપક્ષના ઉમેદવારો પણ મેદાને ઉતર્યા છે. જેઓ આ વખતે ભાજપ અને કોંગ્રેસ માટે મતદારોનું ગણિત ફેરવી શકે છે.