બનાસકાંઠા : આજે 25 ઓક્ટોબર, શુક્રવારના રોજ સુઈગામ સ્થિત પ્રાંત કચેરી ખાતે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો ઉમેદવારી પત્ર રજૂ કરશે. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો આજે ફોર્મ ભરશે. જોકે, ટિકિટનું નામ જાહેર થયું ન હોવાથી અનેક દાવેદારો ફોર્મ ભરશે. જેમાં ભાજપના નવ અને કોંગ્રેસના ચાર દાવેદાર આજે ફોર્મ રજૂ કરશે.
વાવ વિધાનસભા પેટા ચૂંટણી : વાવમાં વટ રાખવા કોંગ્રેસ જોર લગાવી રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ મેન્ટેડ આપી ઉમેદવાર જાહેર ન કરે ત્યાં સુધી મતદારો પણ મૌન સેવી રહ્યા છે. ભાજપ કોંગ્રેસની સાથે વાવ વિધાનસભામાં અપક્ષના ઉમેદવારો પણ મેદાને ઉતર્યા છે. જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખી ભાજપ-કોંગ્રેસ ઉમેદવાર ઉતારે છે તેવી શક્યતા જોવા મળી રહી છે. અપક્ષ ઉમેદવાર આ વખતે ભાજપ અને કોંગ્રેસ માટે મતદારોનું ગણિત ફેરવી શકે છે.
![કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને આપી ટિકિટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/25-10-2024/22756912_111.png)
બેઠક કબજે કરવા ભાજપનો પ્રયાસ : વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ તરફના 53 દાવેદારોમાંથી 36 લોકોની દાવેદારી પરત લેવાય હતી. જ્યારે આજે ભાજપના નવ ઉમેદવાર ફોર્મ ભરશે, એમાં 18 ઉમેદવાર ભાજપની ટિકિટની માંગ કરી રહ્યા છે. ભાજપ આ વખતે વાવ બેઠક કબજે કરવા માટે યોગ્ય રણનીતિ સાથે ઉમેદવાર મેદાનમાં ઉતારશે.
![ભાજપના સ્વરુપજી ઠાકોર ઉમેદવાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/25-10-2024/22756912_222.png)
બેઠક અકબંધ રાખવા કોંગ્રેસનો પ્રયાસ : કોંગ્રેસ પક્ષ દ્વારા પણ આજે સુઈગામ ભાભર રોડ પર વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારનું ઉમેદવારી પત્ર રજૂ કરવામાં આવશે. શક્તિસિંહ ગોહિલ અને સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષ સ્થાને મોટી મહાસભા યોજી સુઈગામ પ્રાંત કચેરી ખાતે કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ રજૂ કરશે. આ તકે કોંગ્રેસના કાર્યકરો અને યુવાનો-વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.