વાપીઃ દમણથી વાપીમાં છાતીના દુખાવાની ફરિયાદ લઈને આવેલા દર્દીનું અચાનક હૃદય બંધ પડી ગયા બાદ તબીબે તેના હૃદયને ફરી ધબકતું કર્યું છે. આ કમાલ વાપીમાં આવેલ શ્રેયસ મેડીકેર સંચાલિત એમ. એન. મેહતા હોસ્પિટલ શ્રી જનસેવા મંડળના તબીબે કરી બતાવતા હાલ દર્દીના પરિવારજનોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે.
કેન્દ્રશાસિત પ્રદેશ દમણના મોટી દમણમાં રહેતા 65 વર્ષીય છીબુભાઈ ધોડીના પરિવારમાં હાલ ખુશીનું મોજું ફરી વળ્યું છે. કેમ કે, આ 65 વર્ષના વડીલનું હૃદય બંધ પડી ગયા બાદ જનસેવા હોસ્પિટલના તબીબે 35 મિનિટમાં 6 વખત DC શૉક આપી હૃદયને ફરી ધબકતું કરી દીધું છે. વડીલ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને સારી સ્થિતિમાં છે.
અનિયમિત ધબકારાને પણ નોર્મલ કર્યાઃ આ સમગ્ર કિસ્સા અંગે જનસેવા સેવા હોસ્પિટલના તબીબ હિમાંશુ પટેલે ETV ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે, 10મી સપ્ટેમ્બરના દમણથી 65 વર્ષના દર્દીને છાતીમાં દુખાવો ઉપડતા સારવાર માટે લાવવામાં આવ્યા હતાં. જેને તપાસતા જણાયું હતું કે, તેમને હાર્ટ એટેકની અસર હતી. એટલે તાત્કાલિક ઇમરજન્સી વોર્ડમાં ખસેડી સારવાર શરૂ કરી હતી. જે દરમિયાન અચાનક તેનું હૃદય બંધ પડી જતા તેને CPR આપી હૃદયને ફરી ધબકતું કર્યું હતું. પરંતુ, ધબકારા ખૂબ જ અનિયમિત હતા. જેને રેગ્યુલર કરવા DC શૉક આપવામાં આવ્યો હતો. દર્દીને વેન્ટિલેટર પર લઈ લગાતાર 35 મિનિટમાં 6 વખત DC શૉક આપ્યા બાદ તેના હૃદયના ધબકારા નોર્મલ થયા હતા.
જેને કારણે વધી ગયો હતો બચવાનો ચાન્સઃ દર્દી શરૂઆતમાં 48 કલાક સુધી વેન્ટિલેટર પર રહ્યા હતા. જે બાદ ભાનમાં આવ્યા હતા. હાલ તેની સ્થિતિ ખૂબ જ સારી છે. તબીબે વધુમાં જણાવ્યું હતું કે, આવા કેસ ઘણા આવે છે. ઘણી વખત અનેક લોકોને અચાનક જ એટેક આવે છે. જેમાં તેનું મૃત્યુ નિપજતું હોય છે. પરંતુ આ કેસ સ્પેશ્યલ હતો કેમ કે, આ કેસમાં દર્દીને દુખાવો ઉપડ્યા બાદ તાત્કાલિક તે હોસ્પિટલ આવ્યા હતા. જેને ઇન હોસ્પિટલ અરેસ્ટ કહેવાય છે. જેમાં દર્દીનો બચવાનો ચાન્સ વધી જાય છે. જ્યારે કોઈ દર્દીનું હૃદય બંધ પડી ગયું હોય અને તે સ્થિતિમાં તેને હોસ્પિટલ લાવવામાં આવે ત્યારે તેના બચવાના ચાન્સ ઓછા હોય છે. છીબુભાઈ ધોડીના કેસમાં તેને બચાવવા તબીબોએ વધુ પ્રયત્નો કરવા પડ્યા હતા અને તેમાં તેનો જીવ બચી જતા સફળતા મળી છે.
દર્દીના પરિવારમાં ખુશીની લહેરઃ 65 વર્ષના છીબુભાઈ ધોડી હાલ સ્વસ્થ હોઈ તેમના પરિવારના સભ્યોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. આ જ હોસ્પિટલમાં ફરજ બજાવતી તેમની પૌત્રી નિકિતા ઘોડીએ પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, નાના સાથે તેને ખૂબ જ લગાવ છે. તેની તબિયત બગડી ત્યારે માસીએ ફોન કરી જણાવતા તાત્કાલિક હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. સ્થિતિની ગંભીરતા જોઈ તબીબોએ પણ તાત્કાલિક સારવાર આપી બચાવી લીધા છે.
ઉલ્લેખનીય છે કે, 5 દિવસ તબીબોના અથાક પ્રયત્નો બાદ દર્દીને નવજીવન મળ્યું છે, હવે દર્દી સ્વસ્થ છે. હોસ્પિટલના તબીબોના પ્રયત્નોથી પરિવારના વડીલ યમરાજને માત આપવામાં સફળ રહ્યા છે. જેમનો જીવ બચી જતા પરિવારમાં ખુશીનો માહોલ પ્રસર્યો છે.