વાપી: 26મી ફેબ્રુઆરી 2024ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મુંબઈ વિભાગના વિવિધ પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યાં હતાં. જે અંતર્ગત વાપી રેલવે સ્ટેશને વલસાડના સાંસદ, રેલવે અધિકારી, કલેકટર, પાલિકા પ્રમુખ, જિલ્લા પોલીસવડા સહિતના મહાનુભાવો ઉપસ્થિતિ રહ્યા હતાં. જેઓએ શિલાન્યાસ, ઉદ્ઘાટન કાર્યક્રમને વધાવી PM મોદીને સાંભળ્યા હતાં.

29 કરોડના ખર્ચે પુનઃવિકાસ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26મી ફેબ્રુઆરીએ દેશના 553 રેલવે સ્ટેશનના પુનઃવિકાસનો શિલાન્યાસ તેમજ 1500 જેટલા રેલવે ઓવરબ્રિજ, અન્ડરબ્રિજનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્ઘાટન કર્યું છે. જે પૈકી વલસાડ જિલ્લાના વાપી રેલવે સ્ટેશનનો 29 કરોડના ખર્ચે પુનઃવિકાસ થશે. એ જ રીતે ઉમરગામ રેલવે સ્ટેશનનો પણ વિકાસ થવાનો છે.
મુંબઈ રેલવે ડિવિઝન (વેસ્ટર્ન રેલવે)ના 17 સ્ટેશનો (મરીન લાઇન્સ, ચર્ની રોડ, ગ્રાન્ટ રોડ લોઅર પરેલ, પ્રભાદેવી, જોગેશ્વરી (એટી), મલાડ, પાલઘર, ઉમરગામ રોડ, વાપી, બીલીમોરા, સચિન, ભેસ્તાન, બારડોલી, નંદુરબાર , અમલનેર અને ધરણગાંવના પુનઃવિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શિલાન્યાસ કર્યો છે. - અનુ ત્યાગી, એરિયા મેનેજર, વલસાડ ડિવિઝન
17 રેલવે સ્ટેશનનો પુન:વિકાસ થશે: એ જ રીતે 20 અંડરપાસ/ઓવર બ્રિજનું ઉદ્ઘાટન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. વાપી ખાતે આ કાર્યક્રમ અંતર્ગત વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વલસાડ જિલ્લાના બન્ને રેલવે સ્ટેશનનું અને 3 ઓવરબ્રિજ, અન્ડરપાસના શિલાન્યાસ, ખાતમુહૂર્તની તકતીઓનું અનાવરણ કર્યું હતું. તેમજ શાળાના બાળકોને પ્રાઈઝ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, વલસાડ જીલ્લો બોમ્બે ડિવિઝન હેઠળ આવે છે. જે અંતર્ગત આ ડિવિઝન હેઠળ 17 રેલવે સ્ટેશનનો પુન વિકાસ થવાનો છે. જે પૈકી વલસાડ જિલ્લાના વાપી અને ઉમરગામ રેલવે સ્ટેશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અમૃત ભારત હેઠળ વાપી રેલવે સ્ટેશનનો 29 કરોડના ખર્ચે પુનઃ વિકાસ થશે. જેમાં તમામ પ્રકારના મુસાફરો માટે તેમજ અધિકારીઓ માટે જરૂરી સુવિધાઓ આગામી સમયમાં ઉભી કરવામાં આવશે. જે રેલવે સ્ટેશનનો કાયાકલ્પ થવાનો છે તે રેલવે સ્ટેશન પણ જે તે વિસ્તારની મુખ્ય ધરોહરને અનુરૂપ નિર્માણ કરવામાં આવશે. કાર્યક્રમમાં રેલવેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.