વાપી :વાપી નગરપાલિકાએ ચોમાસાની કઠણાઈથી શહેરીજનોને રાહત અપાવવા પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરી છે. પાલિકાએ તમામ વોર્ડમાં ગટરની સાફ સફાઈ, રસ્તાઓની મરામત, જોખમી ઇમારતોને ખાલી કરાવવાની, જોખમી હોર્ડિંગ્સ ઉતારવાની તેમજ ગરનાળામાં સમયસર પાણીનો નિકાલ થાય તે માટે મોટર રીપેરીંગ સહિતના કામો હાથ ધર્યા છે. ગત વર્ષે ચોમાસા દરમ્યાન લોકોને તકલીફ ન પડે તે માટે વાપી નગરપાલિકાએ રુ. 43 લાખનો ખર્ચ પ્રિમોન્સૂન કામગીરી પાછળ કર્યો હતો. જો કે તેમ છતાં લોકોએ ચોમાસામાં ભારે હાડમારી વેઠવી પડી હતી. જ્યારે આ વખતે પાલિકાએ રુ. 35 લાખના ખર્ચે પ્રિમોન્સૂન કામગીરી હાથ ધરી છે. લોકોને ચોમાસામાં રાહત આપવાના સંકલ્પ સાથે જૂનના અંત સુધીમાં પ્રિમોન્સૂન કામગીરી પૂર્ણ થવાની આશા છે.
આ અંગે વાપી નગરપાલિકાના ચીફ ઓફિસર કોમલ ઘીનૈયાએ જણાવ્યું હતું કે વાપી નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરી આચાર સંહિતા પહેલા વર્ક ઓર્ડર આપી શરૂ કરવામાં આવી હતી. જે હાલમાં જૂન મહિનાના અંત સુધીમાં પૂર્ણ થશે. પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત ડ્રેનેજની સાફ-સફાઈ, ગરનાળામાં પાણી ભરાય નહિ એ માટે મોટરનું રીપેરીંગ તેનું મેન્ટેનન્સ, પમ્પિંગ સ્ટેશનની મશીનરીનું રીપેરીંગ, પેનલ વર્ક જર્જરીત અથવા તો જોખમી હોર્ડિંગ્સ ઉતારવા સહિતની કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે તમામ કામગીરી હાલ પૂર્ણ થવાને આરે છે.
જોખમી ઇમારતોને ફટકારી નોટિસ: તો નગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન જોખમી ઇમારતો તૂટી પડે અને તે દરમિયાન જાનમાલનું નુકસાન ન થાય, તે બાબતને ધ્યાને લઈ વાપી પાલિકા વિસ્તારમાં આવેલ 11 જેટલી જોખમી ઇમારતોના રહેવાસીઓને નોટિસ આપવામાં આવી છે. એક ઇમારતને સંપૂર્ણ ખાલી કરાવવામાં આવી છે. હાલમાં વોર્ડ નંબર 1, 4, 6, 7, અને 9 માં પ્રિમોન્સૂનની સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ છે. જ્યારે બાકીના વોર્ડમાં હાલ કામગીરી યથાવત છે.
સમારકામની કામગીરી શરુ: વાપીમાં ચોમાસા દરમ્યાન રેલવે ગરનાળામાં પાણી ભરાવાથી ટ્રાફિકની સમસ્યા ઉભી થાય છે. છેલ્લા 2 વર્ષથી મુખ્ય રેલવે ઓવર બ્રિજ અને અન્ય રેલવે અન્ડરપાસના કામ ચાલી રહ્યા છે. પૂર્વ-પશ્ચિમનેે જોડવા હાલ ડાયવર્ટ રૂટ અપાયા છે. જેને ધ્યાનમાં લઇને હયાત રેલવે ગરનાળામાં પાણી ભરાય તો તેનો વહેલી તકે નિકાલ કરી શકાય તે માટે વિશેષ ટીમ તૈયાર કરવામાં આવી છે. તમામ ડાયવર્ટ રસ્તાઓના સમારકામની કામગીરી હાથ ધરાઈ છે. બને તેટલા વહેલા તે તમામ રસ્તાઓનું સમારકામ કરી લેવામાં આવશે. હાલમાં અપના નગર, મેરીલ, બૂનમેક્સ, ચલા જેવા મુખ્ય માર્ગનું સમારકામનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ચોમાસામાં લોકોને રાહત મળશે, તેવી આશા સાથે પાલિકાએ ચોમાસાના વરસાદ પહેલા પ્રિમોન્સૂનની તમામ કામગીરી પૂર્ણ કરવાની તાકીદ જે તે એજન્સીને કરી છે. રસ્તાની આસપાસ પડી રહેલા કાદવ કીચડથી રસ્તાઓ ખરાબ ના થાય, વાહન ચાલકોને તકલીફ ના પડે તેની તકેદારી માટે પણ જે તે કામની એજન્સીને સૂચના આપવામાં આવી છે. ત્યારે, આ વર્ષે પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી કેટલી સફળ રહી તે તો ચોમાસાના વરસાદ બાદ જ જાણવા મળશે.