વલસાડ : દુષ્કર્મની ઘટનાઓના કિસ્સાઓ દિન પ્રતિદિન સામે આવતા જાય છે. ત્યારે 27મી ઓગસ્ટના મંગળવારે વલસાડ જિલ્લાના ઉમરગામ વિસ્તારમાં પડોશમાં રહેતા એક યુવકે પડોશમાં રહેતા પરિવારની 3 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ કર્યું હોવાની ઘટના બની હતી. ઘટનાને પગલે પોલીસે અન્ય ધર્મના આરોપીની ધરપકડ કરી હતી. આ ઘટનામાં પકડાયેલ આરોપીને પોલીસે કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે 2જી સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ઘટનામાં આરોપીને સખ્ત સજા થાય એ માટે પોલીસે જરૂરી પુરાવાઓ એકઠા કર્યા છે. અને 15 દિવસમાં આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.
ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાશે: આ ઘટના અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, 3 વર્ષની બાળકી સાથે બનેલ દુષ્કર્મની ઘટનામાં આરોપીને પકડી પાડવા સાથે એક SIT ની ટીમની રચના કરી તપાસ હાથ ધરી છે. જેમાં આરોપીને સાથે રાખી બનાવવાવાળા સ્થળે રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. ફોરેન્સિક પુરાવા સાથે પંચનામું કર્યું છે. આરોપીએ બનાવના દિવસે પહેરેલ કપડા અને તેની સાથે સાથે તેમનો મોબાઇલ પણ કબજે કરવામાં આવ્યો છે.
આરોપીની માનસિકતા અંગે મેડિકલ તપાસ: આરોપીની મેડિકલ તપાસ કરવામાં આવી છે. આરોપી કેવા પ્રકારની માનસિકતા ધરાવતો હતો. તે માટે તેના મોબાઇલને એફએસએલમાં મોકલી ફોરેન્સીક ડેટાનું એનાલીસીસ કરવામાં આવી રહ્યું છે. તે કેવા પ્રકારની વેબસાઈટ જોતો હતો. મોબાઇલમાં કોઈ અન્ય કયા પ્રકારનો ડેટા છે. તે તમામ વિગતો જાણવાનો પ્રયાસ ચાલુ છે.
15 દિવસમાં ચાર્જશીટ તૈયાર: ગુરુવારે આરોપીને કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે બીજી સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ તરફ ભોગ બનનાર દીકરી પણ હાલ સ્વસ્થ છે. બાળકીને હોસ્પિટલમાંથી તેને રજા આપી તેમના પરિવાર સાથે તેમના ઘરે મોકલી દેવામાં આવી છે. આ ઘટનામાં આરોપી વિરુદ્ધના જે પુરાવાઓ છે તે એકઠા કરી 15 દિવસમાં ચાર્જશીટ કરી દેવામાં આવશે.
શાંતિ ડહોળવા પ્રયાસ કરનાર સામે કાર્યવાહી: ઉલ્લેખનીય છે કે, ઉમરગામમાં દુષ્કર્મની આ ઘટના બાદ લોકોએ પોલીસ મથકે હોબાળો મચાવ્યો હતો. તેમજ બીજા દિવસે ઉમરગામમાં કેટલાક તત્વોએ શાંતિ ડહોળવાના પ્રયાસ સાથે રેલીઓ યોજી હતી. ઉગ્ર દેખાવમાં ક્યાંક આગજનીના બનાવો બન્યા હતાં. પથ્થરમારો કર્યો હતો. જેને ડામવા પોલીસે ટીયરગેસ અને લાઠીચાર્જ કર્યો હતો. તેમજ પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરેલા 80 જેટલા મહિલા પુરુષોની ઓળખ મેળવી પોલીસે તેમની વિરુદ્ધ પોલીસની કામગીરીમાં રુકાવટ અને માહોલ તંગ કરવા સરકારી, ખાનગી મિલકતોની નુકસાન કરવા બાબતે કાર્યવાહી કરી છે.
શું હતી સમગ્ર ઘટના: 27મી ઓગસ્ટ મંગળવારે બપોરના સાડા ત્રણ વાગ્યા આસપાસ ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં એક મકાનમાં ત્રણ વર્ષ અને ત્રણ મહિનાની બાળકી સાથે દુષ્કર્મ થયાની ગંભીર ઘટના બની હતી. જે જાણી બાળકીના વાલીઓએ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસ દ્વારા તાત્કાલિક પગલા લેવામાં આવ્યા હતા. ઘટનાને પગલે પોલીસે અન્ય ધર્મના આરોપીની ધરપકડ કરી હતી. તેની જાણકારી હિન્દુ સંગઠનોને થતા મોટી સંખ્યામાં લોકોએ પોલીસ મથક પર જઈ હોબાળો મચાવ્યો હતો.
ઉમરગામમાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ, આરોપીને પોલીસે દબોચ્યો - Valsad Crime