વલસાડ : જિલ્લા પોલીસ અધિક્ષક કરણરાજ વાઘેલાની અધ્યક્ષતામાં વલસાડ શહેર અને ડુંગળી વિસ્તારમાં કામ કરતા આંગડિયા પેઢી તેમજ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓ તેમજ સોના-ચાંદીની દુકાન ધરાવતા માલિકો સાથે વિશેષ તકેદારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભૂતકાળમાં થયેલા લૂંટ- ચોરી, ચેઇન સ્નેચિંગ જેવા ગુનાઓ અટકાવી શકાય તે માટે વિશેષ સૂચના આપવામાં આવ્યા હતા.
વિશેષ તકેદારી બેઠક : ગઈકાલે વાપીમાં યોજાયેલ તકેદારી બેઠક બાદ આજે વલસાડ શહેરમાં પણ આંગડિયા પેઢીના કર્મચારીઓ સાથે વલસાડ જિલ્લા એસપી દ્વારા એક બેઠકનું આયોજન કરાયું હતું. મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં આયોજિત આ બેઠકમાં આંગડિયા પેઢીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમને પણ આગામી દિવસમાં આવી રહેલી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને તકેદારી રાખવા મોટા પ્રમાણમાં થતા શંકાસ્પદ નાણાકીય વ્યવહારો અંગે સતર્ક રહેવા તેમજ શંકા જણાય તો પોલીસને જાણ કરવા પણ જણાવ્યું હતું.
કયા પ્રકારની તકેદારી રાખવી ? વલસાડમાં ભૂતકાળમાં બનેલી લૂંટ-ચોરી અને ચેન સ્નેચિંગ જેવી ઘટના રોકવા માટે કયા પ્રકારની તકેદારી રાખવી તે સંદર્ભે બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં વલસાડ શહેર અને ડુંગરી તેમજ આસપાસના વિસ્તારમાં કાર્યરત આંગડિયા પેઢી અને જ્વેલર્સ એસોસિએશનના સભ્યોને જિલ્લા પોલીસ વડાએ વિવિધ સૂચનો કર્યા હતા. જેમાં સીસીટીવી ફરજિયાત રાખવા તથા કર્મચારીઓને આઈડી પ્રૂફ પોતાની સાથે રાખવા સહિત આવતા જતા લોકો પર શંકા જણાય તો પોલીસને જાણ કરવા જણાવ્યું હતું.
લોકસભાની ચૂંટણીને લઈને પોલીસ એલર્ટ : આગામી લોકસભાની ચૂંટણીમાં શંકાસ્પદ નાણાકીય વ્યવહારો રોકવા માટે વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. વહીવટી તંત્ર દ્વારા વલસાડ જિલ્લામાં 16 જેટલી ચેકપોસ્ટ ઉપર FST અને સ્ટેટીક સર્વેલન્સ ટીમ (SST) તૈનાત કરવામાં આવી છે. જે મોટાભાગના શંકાસ્પદ અને મોટા નાણાકીય વ્યવહારો પર નજર રાખશે, જે અંગે પણ આંગડિયા પેઢીના કર્મચારીઓને માહિતગાર કરાયા હતા.
સટ્ટા અને બેટિંગ : ભૂતકાળમાં સટ્ટા અને બેટિંગના ગુનાઓ બન્યા છે. આગામી દિવસમાં IPL ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે. ત્યારે વર્તમાન ફરીથી તેનું પુનરાવર્તન ન થાય તે હેતુથી પોલીસ સતત ચાંપતી નજર રાખી રહી છે. આ અંગે તમામ લોકોને જાણકારી આપી માહિતી માહિતગાર કરવામાં આવ્યા છે.
જાગૃકતા અભિયાન : વલસાડ શહેરના મોરારજી દેસાઈ ઓડિટોરિયમ ખાતે ઉપસ્થિત જ્વેલર્સ એસોસિયેશન અને આંગડિયા પેઢી સહિતના લોકો માટે પોલીસ વિભાગે જાગૃકતા, સાવધાની અને સુરક્ષા રાખવા એક વિશેષ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન પણ આપ્યું હતું. જેમાં વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક કરણરાજ વાઘેલાએ વિશેષ સલાહ સૂચન આપ્યા હતા.