વલસાડ: જિલ્લામાં હાલમાં ચૂંટાઈને આવેલા નવા સાંસદ ધવલ પટેલ દ્વારા વલસાડ જિલ્લા માટે રેલવે સ્ટેશન ઉપર વિવિધ ટ્રેનોના સ્ટોપેજ અંગે અને વલસાડથી કટરા માટે નવી ટ્રેન શરૂ કરવા કેન્દ્રીય રેલ્વે મંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. દિલ્હી ખાતે તેમણે કેન્દ્રીય રેલ્વે મંત્રી સાથે વિશેષ મુલાકાત કરી હતી.
વલસાડ જિલ્લામાં પર્યટનની વિશેષ તક: વલસાડ જિલ્લામાં અરબી સમુદ્રના કિનારે આવેલો તિથલનો દરિયા કિનારો તેમજ વાપીમાં એશિયાની સૌથી મોટી GIDC આવેલી છે. આ સાથે જ ડાંગ, આહવા, સાપુતારા જેવા હિલ સ્ટેશનો પર અહીંથી જઈ શકાય છે. જેને લઇને અહીં ઉત્તર ભારતીય સમાજ સહિતના અનેક રાજ્યોમાંથી લોકો પોતાનું પેટીયું રળવા માટે આવે છે અને તેઓના વતન જવા માટે માત્ર ગણતરીની અને આંગળીના વેઢે ગણાય એટલી રેલ્વે ટ્રેનો જ રેલ્વે સ્ટેશન ઉપર સ્ટોપેજ કરતી હોવાને કારણે અનેક વાર ટ્રેનોમાં ભારે ઘસારો જોવા મળે છે. આ તમામ લોકોની રજૂઆતને ધ્યાને રાખીને કેટલીક ટ્રેનોના સ્ટોપેજ માટે સાંસદ ધવલ પટેલે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરી હતી.
Today, had the honor of meeting Railway Minister Shri @AshwiniVaishnaw Ji at the Parliament.
— Dhaval Patel (@dhaval241086) December 3, 2024
Presented him with a letter outlining several requests to enhance the railway facilities at Valsad Loksabha Station, aiming to improve the overall experience for commuters. pic.twitter.com/WvUHPEpeyo
કઈ કઈ ટ્રેનો માટે રજૂઆત કરાઇ: વલસાડ જિલ્લામાં વિવિધ રેલ્વે સ્ટેશનો ઉપર પેસેન્જરોના હિતમાં વિવિધ ટ્રેનોના સ્ટોપેજ અંગેની મળી રહેલી સતત રજૂઆતોના પગલે અને જિલ્લાના તમામ રેલવે સ્ટેશનો ઉપર જરૂરી સુવિધાઓની લોક રજૂઆતોને લઇને લોકસભાનાં દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને વલસાડ વંદે ભારત ટ્રેન, શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજ આપવા તેમજ બીજી અન્ય જરૂરી ટ્રેનોના સ્ટોપેજ સંદર્ભે, માતા વૈષ્ણોદેવી-કટરા માટે વલસાડથી નવી ટ્રેન શરૂ કરવા બાબત સહિત અનેકવિધ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે રૂબરૂ મળીને વિસ્તારપૂર્વક લેખિત રજૂઆત કરી છે.
સુરત, અમદાવાદ જનારા લોકોને લાભ થશે: મુંબઈ-અમદાવાદ વચ્ચે રોજિંદા આવન જાવન કરનારા અનેક મુસાફરો તેમજ સરકારી કર્મચારીઓ કે જે અમદાવાદ કે ગાંધીનગર જવા માટે ટ્રેનોને ઉપયોગ કરતા હોય છે. તેઓ માટે શતાબ્દી ટ્રેન, વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ આપવા આવે તો ખૂબ ઉપયોગી સાબિત થઇ શકે તેમ છે. ત્યારે સાંસદ રાહુલ પટેલની રજૂઆતને વલસાડની જનતાએ બિરદાવી છે.
મેમુ ટ્રેન ફરી દોડાવવા માંગ: વાપીથી સુરત વચ્ચે બપોરે 2 વાગ્યા પછી સુરત તરફ જવા માટે કોઈપણ વધારાની ટ્રેન દોડતી નથી. ત્યારે બીજી તરફ મોડી સાંજે 5:00 વાગ્યા બાદ સુરતથી વાપી તરફ આવવા માટે અન્ય કોઈ ટ્રેન ન હોય. એટલે મેમુ ટ્રેન દોડાવવા માટે ધવલ પટેલ દ્વારા કેન્દ્રીય મંત્રીને ભારપૂર્વક રજૂઆત કરાઇ. જેથી વાપી, સરીગામ, ભીલાડ સહિતના GIDC વિસ્તારમાં કામ કરવા આવતા મુસાફરોને ખૂબ જ ઉપયોગી નિવડી શકે છે.
બીલીમોરા-વઘઈ ટ્રેનને હેરિટેજ ટ્રેન તરીકે વિકસાવવા માંગ: વલસાડ અને ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રીને રૂબરૂ મુલાકાત કરીને બીલીમોરા અને વઘઈ વચ્ચે દોડતી નેરોગેજ ટ્રેનને હેરિટેજ ટ્રેન તરીકે જાહેર કરીને, તેના સ્ટેશનો વિકસાવવામાં આવે જેથી કરીને પર્યટનને પ્રોત્સાહન મળી શકે. તેમજ ટ્રેનનો વારસો પણ જળવાઈ રહે તે માટે તેમણે ભારપૂર્વક રજૂઆત કરી છે. કેન્દ્રીય રેલ્વે મંત્રીએ પણ આ સમગ્ર બાબતને ધ્યાન પર લઈ યોગ્ય કામગીરી કરવા માટેની ખાતરી આપી છે. ત્યારે હવે વલસાડ રેલ્વે સ્ટેશને શતાબ્દી જેવી ટ્રેનોને સ્ટોપેજ મળે તેવી આશા બંધાઈ છે.
આ પણ વાંચો: