વલસાડ : મોતીવાડા દુષ્કર્મ અને હત્યા કેસનો આરોપી વલસાડ જિલ્લા પોલીસને દોડતી કરી દેનાર સીરિયલ કિલર રાહુલ જાટના 10 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા પારડી પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે ગુનેગારને નવસારી સબજેલમાં મોકલવા હુકમ કર્યો છે. જાણો સમગ્ર મામલો...
મોતીવાડા દુષ્કર્મ અને હત્યા કેસ : મોતીવાડા દુષ્કર્મ અને હત્યા કેસમાં 19 વર્ષીય સગીરાની ગળુ દબાવી હત્યા કર્યા બાદ દુષ્કર્મ કરી ઘટનાસ્થળે જ પોતાના કપડા અને થેલો મૂકી ફરાર થઈ ગયેલાને આરોપીને શોધવા 300 થી વધુ પોલીસકર્મીઓની ટીમ કામે લાગી હતી. ઘટનાસ્થળ પરથી પોલીસને બીડીના ઠૂંઠા અને ગમછો મળી આવ્યો હતો. સાથે જ બેગમાંથી ટીશર્ટ મળી હતી, જે બાદમાં મહત્વની કડી સાબિત થઈ.
આરોપીની ટીશર્ટ બની મહત્વની કડી : આરોપીને શોધવા વલસાડ પોલીસે આકાશ પાતાળ એક કર્યું. સતત 10 દિવસ સુધી 2000 થી વધુ CCTV કેમેરા ખંખોળ્યા, જેમાં વાપી રેલવે સ્ટેશનના વીડિયોમાં માત્ર એક શંકાસ્પદ શખ્સ મળ્યો હતો. આરોપી ડાબા પગે ખોડાઈને ચાલતો હતો અને તેણે એક ટીશર્ટ પહેરી હતી. ઘટનાસ્થળેથી મળેલી ટીશર્ટ CCTV માં દેખાતા આરોપીએ પહેરી હોવાને લઈને પોલીસની શંકા પ્રબળ બની હતી.
સાયકલ ચોરી કરનાર બન્યો સીરિયલ કિલર...
પોલીસ વિભાગે સજ્જડ તપાસ કરી ભારે જહેમત બાદ આખરે આરોપીને દબોચી લીધો. બાદમાં આરોપીની પૂછપરછ શરૂ કરવામાં આવી અને આરોપીએ એક બાદ એક ગુનાની કબૂલાત આપી, જે ચોંકાવનારી ઉપરાંત ભયાનક હતી. જાણો એક સાયકલ ચોરી કરનાર કેવી રીતે બન્યો સીરિયલ કિલર...
નાનપણથી જ ચોરીની કૂટેવ ધરાવતો : આરોપી મૂળ હરિયાણાનો રહેવાસી અને રોહતક વિસ્તારમાં રહેતો રાહુલ ઉર્ફે ભોલુ કર્મવીર જાટ છે. તે નાનપણથી જ ચોરીની કૂટેવ ધરાવતો હતો. ધોરણ ચારમાં અભ્યાસ કરતો ત્યારે જ સાયકલ ચોરીથી તેણે ગુનાની દુનિયામાં પગ મૂક્યો હતો, જે બાદ તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી.
ટ્રેનમાં લૂંટના ઈરાદે કરી ચાર હત્યા : આરોપીની માનસિકતા એટલી હદે ખરાબ હતી કે તેને કોઈ ઊંચા સાદે બોલે તો પણ તેની હત્યા કરી લૂંટ કરી લેતો હતો. આરોપી એક પગથી અપંગ હોવાને લઈને તે ટ્રેનના વિકલાંગના ડબ્બામાં સફર કરતો, આ દરમિયાન ટ્રેનમાં જ મુસાફરોને લૂંટનો શિકાર બનાવ્યા બાદ તેની હત્યા કરી દેતો હતો. મહિલાઓની પણ તે લૂંટના ઇરાદે હત્યા કરી તેમની સાથે દુષ્કર્મ આચરતો હતો.
પાંચ રાજ્યોમાં 25 દિવસમાં છ હત્યા : આરોપી રાહુલ જાટ પારડીના મોતીવાડા અને વડોદરાના ડભોઈ ઉપરાંત આંધ્રપ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, તેલંગાણા સહિતના વિસ્તારમાં છ જેટલી હત્યા કરી ચૂક્યો છે. જેમાં ત્રણ મહિલા અને ત્રણ પુરુષો સામેલ છે. એટલું જ નહીં કુલ ચાર લોકોની હત્યા તેણે ટ્રેનમાં જ કરી હોવાની પણ કબૂલાત કરી છે.
એક જ ભાણે 30 રોટલી આરોગી લેતો : શારીરિક રીતે સશક્ત હોવાને લઈને તેમજ મજબૂત બાંધો અને છ ફૂટ ઊંચાઈ ધરાવતો ડાબા પગે અપંગ અને ખોડાઈને ચાલતો રાહુલ જાટ દિવસમાં એક જ વાર ભોજન કરતો હોય. તે એક જ ભાણે 30 જેટલી રોટલી જમી લેતો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. પોલીસ રિમાન્ડ દરમિયાન પોલીસે સમગ્ર બાબતની નોંધ પણ કરી છે એટલે કે શારીરિક સશક્ત હોવાને લઈને તેની ભોજન કરવાની ક્ષમતા પણ ઘણી છે.
મહિલાઓની હત્યા કરી કરતો દુષ્કર્મ : મોટાભાગે રાહુલ જાટ ઉર્ફે ભોલુ ટ્રેનમાં લૂંટ ચલાવી ફરાર થઈ જતો હતો. માત્ર સામાન્ય લૂંટ નહીં પરંતુ લૂંટ કર્યા બાદ તે કોઈપણ વ્યક્તિની હત્યા કરી દેતો અને નિશ્ચિત રીતે ત્યાંથી નીકળી જતો હતો. જો સામેની વ્યક્તિ મહિલા હોય તો તેની સાથે દુષ્કર્મ કર્યા બાદ તેના પૈસા-મોબાઈલ પણ લઈ જતો હતો. આમ લૂંટ કરવા માટે કોઈપણ વ્યક્તિને તે મોતને ઘાટ ઉતારી દેતો હતો.
આખરે જેલ હવાલે થયો સીરિયલ કિલર : રાહુલ જાટના મોતીવાડા દુષ્કર્મ અને હત્યા કેસમાં દસ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં પારડી પોલીસે પારડી નામદાર કોર્ટમાં રજૂ કર્યો હતો. જેમાં નામદાર કોર્ટે આરોપીને નવસારી સબજેલમાં મોકલવા માટે હુકમ કર્યો છે. આગામી દિવસમાં ડભોઇ હત્યા કેસ મામલે વડોદરા પોલીસ ટ્રાન્સફર વોરંટથી તેનો કબજો મેળવશે અને વધુ તપાસ હાથ ધરશે.