વલસાડ: સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવનાર ચાંદીપુરા વાયરસના કેસો વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં નોંધાયા છે. જેમાં તકેદારીના ભાગરૂપે વલસાડ જિલ્લા દ્વારા પણ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. જિલ્લામાં 500 જેટલી ટીમ હાલ સર્વે કરી રહી છે અને તકેદારીના ભાગરૂપે કામગીરી કરવામાં આવી રહી છે.
શું છે ચાંદીપુરા વાઇરસના લક્ષણો: ગુજરાતમાં આતંક મચાવનારા ચાંદીપુરા વાયરસ 9 વર્ષથી લઈને 14 વર્ષ સુધીના બાળકોને પોતાની ઝપટમાં લઈ લે છે અને ઝાડા, ઉલટી, તાવ, માથું દુખવું, ખેંચ આવવી અને બાળક બેભાન અવસ્થામાં ચાલી જવું જેવા લક્ષણો છે. જેના કારણે નાના બાળકો આ રોગના વધુ નિશાન બને છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 29 જેટલા શંકાસ્પદ દર્દી નોંધાઈ ચૂક્યા છે.
ગુજરાતમાં 50 જેટલા શંકાસ્પદ દર્દી નોંધાયા: આ રોગ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દાહોદ-ગોધરા વિસ્તારમાં કેટલાક ક્ષેત્રોમાં જોવા મળ્યો છે. અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસે 16 જેટલા બાળકોનો ભોગ લીધો છે. જ્યારે 50 જેટલા શંકાસ્પદ કેસો સમગ્ર ગુજરાતમાં નોંધાઈ ચૂક્યા છે. જેને લઈને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં જોવા મળ્યું છે.
ચાંદીપુરા નામ કેવી રીતે પડ્યું: આ વાયરસ ઇન્ફેક્શનનો પ્રથમ કિસ્સો 1965માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરા ગામે નોંધાયો હતો. જેથી તેને ચાંદીપુરા વાયરસ તરીકે ઓળખ આપવામાં આવી છે. આ વાયરસ સેન્ડ ફ્લાય નામની માખીથી થતો રોગ છે. સેન્ડ ફ્લાય નામની માખી ચાંદીપુરા વાયરસ તેમજ જાપાનીઝ એન કે ફ્લાઇટિસ તેમજ કાલાઆઝારની બીમારી ફેલાવવામાં મહત્વનો ભાગ ભજવે છે.
જિલ્લામાં સર્વે કામગીરી ચાલુ: વલસાડ જિલ્લા આરોગ્યતંત્ર પણ ચાંદીપુરા વાયરસને લઈને સતર્ક બન્યું છે. જિલ્લામાં આવો કોઈ શંકાસ્પદ કેસ ન આવે તે માટે આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓની 500 જેટલી ટીમ દ્વારા અંતરિયાળ ગામોમાં કાચા મકાનોમાં પડેલી તિરાડોમાં મેલેથીયન પાવડરનું ડસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. તેમ જ રોજબરોજનું રિપોર્ટિંગ નોંધાઈ રહ્યું છે. અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસનો જિલ્લામાં કોઈ પણ કેસ નોંધાયો નથી.
આ રોગમાં મૃત્યુદર 75% સુધીનો છે: ચાંદીપુરા વાયરસ નામનો રોગ સેન્ડ ફ્લાય નામની માખીથી થતો રોગ છે. જેના કરડવાથી શરીર ઉપર લાલ ચકામા થઈ જાય છે. જે બાદ બાળકને ઝાડા ઉલટી તાવ આવવો કે બેભાન અવસ્થા કે ખેંચ આવવી જેવા લક્ષણો જોવા મળે છે અને જે બાદ બાળકની તબિયત વધુ લથડી પડતી હોય છે. ઉપરોક્ત ચાંદીપુરા વાયરસની સારવાર માટે અત્યાર સુધીમાં કોઈ એન્ટિવાયરસ કે દવા ઉપલબ્ધ નથી. જેના કારણે વાયરસનું મૃત્યુદર 75% ટકા સુધીનો છે.
વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગની વિશેષ વિડિયો કોન્ફરન્સ: વલસાડ જિલ્લાના આરોગ્ય અધિકારી કે.પી. પટેલના જણાવ્યા અનુસાર જિલ્લામાં ચાંદીપુરા વાયરસ બાબતે સતર્કતા જાળવવા માટે જિલ્લા કલેકટર અનસુયા જહા અને આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં એક વીડિયો કોન્ફરન્સનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના આરોગ્ય અધિકારીઓ જોડાયા હતા. જિલ્લામાં ચાંદીપુરા વાયરસ માટે વિશેષ આયોજન અને દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે યોગ્ય કામગીરી અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. આમ ચાંદીપુરા વાયરસ માટે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર સતર્ક બન્યું છે.