વાપી : વલસાડ જિલ્લામાં સપ્તાહમાં 2 અને અગાઉના ચેઇન સ્નેચિંગ, બાઇક ચોરી, જવેલર્સની દુકાનમાં લૂંટ જેવી ઘટનાઓને અંજામ આપનાર રીઢા ગુનેગારને પોલીસે દબોચી લીધો છે. પકડાયેલ આરોપી પાસેથી મોંઘી બાઇક, રોકડ રકમ, સોનાચાંદીના દાગીના મળી કુલ 7,18,172 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. તેમજ ચોરીનો માલ લેનારને પણ ઝડપી મહત્વની સફળતા મેળવી છે.
વલસાડ મહારાષ્ટ્રના કુલ 14 ગુના ડિટેકટ : વર્ષ 2023માં વાપીના ભડકમોરા વિસ્તારમાં આવેલ અંબિકા જવેલર્સમાં લૂંટ કરી ફરાર આરોપીને વલસાડ SGO, LCB ની ટીમે ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી જયનન્દ ઉર્ફે બીલ્લા ગણેશ ગાંધી પાસવાન ઉપર બાઇક ચોરી, ઘરફોડ ચોરી, ચેઇન સ્નેચિંગ અને લૂંટના અંદાજિત 35 ગુના નોંધાયેલ છે. પકડાયેલ આરોપીને 2020માં વાપી ટાઉન પોલીસે પકડ્યો હતો. ત્યારે તે કેદી જાપ્તામાંથી ફરાર થઇ જનાર ફરારી આરોપી છે. જેના પર મહારાષ્ટ્રમાં 24 જેટલા ગુના આચર્યા હોય મુંબઈમાં મકોકાનો ગુન્હો નોંધાયો છે. જે અંગે વલસાડ એસપીએ વિગતો આપી હતી કે, આ આરોપીને ઝડપી વલસાડ મહારાષ્ટ્રના કુલ 14 ગુના ડિટેકટ કર્યા છે.
જવેલર્સની ફૂંકાનમાં લૂંટ કરનાર આરોપી હોવાનો ખુલાસો : વલસાડ જિલ્લાના ટુકવાડા અને રેંટલાવ ગામે આ એક સપ્તાહમાં 2 ચેઇન સ્નેચિંગની ઘટના બની હતી. જેમાં વલસાડ એસપી ડો.કરનરાજ વાઘેલાએ LCB, SOG સહિત વિવિધ પોલીસની 10 જેટલી ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા સૂચના આપી હતી. જે આધારે વાપી તાલુકાના નામધાના ચંડોર વિસ્તારમાં બાઇક લઈ આંટા ફેરા કરતા જયનંદ પાસવાનને ઝડપી લઈ પૂછપરછ કરી હતી. જેમાં આ વ્યક્તિ કેદી જાપ્તાનો ફરારી આરોપી હોવાનું તેમજ હાલમાં બનેલ ચેઇન સ્નેચિંગ અને અગાઉ જવેલર્સની ફૂંકાનમાં લૂંટ કરનાર આરોપી હોવાનો ખુલાસો થયો હતો.
કુલ 7,18,172 રૂપિયાનો મુદ્દામાલ કબજે : વલસાડ જિલ્લામાં વાપી, પારડી, ઉમરગામ પોલીસ મથક વિસ્તારમાં બાઇક ચોરી, ચેઇન સ્નેચિંગ અને લૂંટની ઘટનાને અંજામ આપનાર જયનંદ પાસેથી પોલીસે મોંઘી બાઇક, રોકડ રકમ, સોનાચાંદીના દાગીના મળી કુલ 7,18,172 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. તેમજ ચોરીનો માલ લેનાર જશીમુદ્દીન રબીઉલ હસીમ શેખને પણ ઝડપી મહત્વની સફળતા મેળવી છે.
લૂંટેલા દાગીના લેનારની પણ ધરપકડ : લૂંટ અને ચેઇન સ્નેચિંગના ગુન્હામાં ઝડપાયેલા જયનંદ પાસવાન પર કુલ 35 જેટલા ગુના નોંધાયા છે. વલસાડ પોલીસે 14 ગુના ડિટેકટ કર્યા છે. તેમજ મુંબઈમાં 24 જેટલા ગુના આચર્યા હોય મુંબઈ પોલીસે મકોકાનો ગુન્હો પણ દાખલ કર્યો છે. મહિલાના ગળામાંથી સ્નેચિંગ કરી ફરાર થઈ જતા આ આરોપીની મોડ્સ ઓપરેન્ડી અંગે SP એ આપેલી વિગતો મુજબ જયનન્દ પાસવાન પહેલા મોંઘી બાઇક ચોરી કરતો હતો. જે બાદ એ બાઇક પર ચેન સ્નેચિંગ કરી ફરાર થઈ જતો હતો. તો, જવેલર્સની દુકાનમાં લૂંટ કરતો હતો. લૂંટેલા દાગીના તે ઉમરગામમાં જશીમુદ્દીન રબીઉલ હસીમ શેખને આપતો હતો.