દમણ : સંઘ પ્રદેશ દમણના અન્ય સમુદાયના ચાર યુવાનોની પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલા યુવાનોએ સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર સાંપ્રદાયિકતા અંગે ભડકાઉ પોસ્ટ કરી હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તો, વાપીના છીરીના યુવકે પણ સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ કરી હોવાથી વલસાડ પોલીસે પણ યુવક સામે કાર્યવાહી કરવા ઉપરાંત સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક બોલાવી જરૂરી સૂચનો કર્યા હતાં.
ધાર્મિક લાગણી દુભાવતી ટિપ્પણી લખી : દમણ પોલીસે જાહેર કરેલ અખબારી યાદી મુજબ 24 જાન્યુઆરી 2024 ના રોજ મોટી દમણના જામપોર બીચ પર એક ઘટના બની હતી. જેમાં આસિફ ખાન તથા અન્ય યુવાનોએ સાંપ્રદાયિકતા અને ભાઈચારાનું વાતાવરણ ડહોળાય એવી વાંધાજનક પોસ્ટ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. યુવાનો દ્વારા વાંધાજનક પોસ્ટ બાબરી મસ્જિદના ફોટા સાથે ધાર્મિક લાગણીને દુભાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી.
અન્ય સમુદાયના યુવકોનો વિડીઓ વાયરલ : પોલીસે આપેલી વિગતો મુજબ મોટી દમણમાં એક વાયરલ વિડીયો અંગેની માહિતી પ્રાપ્ત થઈ હતી જેમાં એક ઈન્સ્ટાગ્રામ યુઝરે ઈન્સ્ટાગ્રામ પર વાંધાજનક અને અયોગ્ય સામગ્રી ધરાવતો વિડીયો પોસ્ટ કર્યો હતો. તેના વિશે પૂછપરછ કરવા પર એવું જણાય છે કે આ ઇન્સ્ટાગ્રામ પર અયોગ્ય થીમ હેઠળ વાંધાજનક સામગ્રી અપલોડ કરવામાં આવી છે. તેમાં પૃષ્ઠભૂમિમાં બાબરી મસ્જિદના ફોટોગ્રાફ સાથે ધાર્મિક દ્વેષપૂર્ણ/ઉશ્કેરણીજનક રેખાઓ અને ઉર્દૂ ભાષામાં કેટલાક પાઠો શામેલ છે. ઉપરોક્ત વિડીયોમાં, મોટી દમણ સી ફેસ રોડ પર મોપેડ પર સવારી કરતી વખતે બે વ્યક્તિઓ લીલા રંગનો ધ્વજ પ્રદર્શિત કરતા જોઈ શકાય છે.
દમણમાં 4 આરોપીની ધરપકડ : જે ઘટનાની ગંભીરતાને ધ્યાન પર લઈ મોટી દમણ પોલીસે આ મામલે પોલીસ મથકે એફ.આઇ.આર. નં. 04/2024, યુ/એસ. 295-એ, 153-એ, 298, 504, 505 (સી) અને આઇ.પી.સી. ની કલમ 120-બી અને 34 અને માહિતીની કલમ 66 હેઠળ ગુનો દાખલ કરી આ મામલે ચાર આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.
વલસાડ પોલીસે શાંતિ કાયમ રાખવા અપીલ કરી : ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ કેટલાક બિનહિન્દુ યુવાનોએ આવી વાંધાજનક પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરી હતી. વાપી નજીક છીરીમાં પણ એક યુવાને આવી પોસ્ટ કરી હોવાનું બહાર આવ્યા બાદ તે મામલે વલસાડ પોલીસે પણ કાર્યવાહી કરી છે. એ ઉપરાંત વાપી GIDC પોલીસ મથક ખાતે DYSP બી. એન. દવેની અધ્યક્ષતામાં ડુંગરા, ટાઉન, GIDC પોલીસ થાણાના પોલીસ અધિકારીઓએ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે શાંતિ સમીક્ષા કરી આવી પોસ્ટ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનારા અંગે વિગતો આપવા અને શાંતિ કાયમ રાખવા અપીલ કરી હતી.