વલસાડ: ધરમપુર તાલુકાના બોપી ગામે પ્રધાન મંત્રી આવાસ યોજનામાં ગામના 16 લાભાર્થી પાસેથી સરપંચના પતિ દ્વારા રૂપિયા વસૂલવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે ટીડીઓને લેખિતમાં માજી સરપંચ દ્વારા અરજી આપવામાં આવી હતી. ત્યારબાદ આજે સરપંચ દ્વારા ગામના અન્ય લાભાર્થીઓ સાથે એક આવેદન આપી નાણાં વસૂલી કરવામાં આવતા હોવાનો આક્ષેપ પાયા વિહોણો હોવાનું જણાવ્યું છે.
25 જૂન 2015 શરૂ થઈ હતી પ્રધાન મંત્રી આવાસ યોજના: પ્રધાનમંત્રી આવાસ યોજનાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક સ્વપ્ન હતું. દરેક લોકોને 2022 સુધીમાં પોતાનું ઘર મળે તે માટે 25 જૂન 2015 ના રોજ આ યોજના શરૂ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, અગાઉ આ યોજનાનું નામ ઇન્દિરા આવાસ યોજના હતું, જે બદલીને તેનું નામ પ્રધાનમંત્રી આવાસ યોજના કરવામાં આવ્યું હતું.
બોપી ગામના સરપંચના પતિ દ્વારા આવાસ યોજનાન લાભાર્થી પાસે પૈસાની માંગણી કરાતી હોવાના આક્ષેપ સાથે ફરિયાદ
ધરમપુર તાલુકાના બોપી ગામે મહિલા સરપંચના પતિ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના 16 જેટલા લાભાર્થીઓ પાસે તેમના આવાસ યોજનાના ત્રણ હપ્તામાંથી પૈસાની માંગણી કરાઈ હોવાના આક્ષેપ સાથે ધરમપુર તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં ત્રણ હપ્તા દીઠ દરેક લાભાર્થી પાસે અલગ અલગ રકમ વસૂલ કરવામાં આવી હતી.
ત્રણ હપ્તા દીઠ અલગ અલગ રૂપિયા લેવાયા: આક્ષેપ અનુસાર લાભાર્થીઓ પાસે આવાસ બાંધકામ માટે સરકાર દ્વારા લાભાર્થીને બેન્કના ખાતામાં આપવામાં આવેલા નાણામાંથી પૈસાની માંગણી કરી પૈસા લેવામાં આવ્યા હોવાનું લેખિતમાં ફરિયાદ ટીડીઓને આપવામાં આવી હતી. જેમાં 16 જેટલા લાભાર્થીઓ પાસે પ્રથમ હપ્તામાંથી રૂપિયા 3000 તેમજ બીજા હપ્તામાંથી રૂપિયા 8000 જ્યારે ત્રીજા અને અંતિમ હપ્તામાંથી રૂપિયા 700 કે 800 લેવામાં આવ્યા હોવાની ફરિયાદ ટીડીઓને કરાઈ હતી.
સરપંચના પતિ દ્વારા તમામ આક્ષેપો ફગાવાયા: બોપી ગામના સરપંચ દ્વારા આજે તેમના પતિ અને ગામના અન્ય આવાસના લાભાર્થીઓ સાથે આવેદનપત્ર આપી જણાવવામાં આવ્યું હતું કે, માજી સરપંચ દ્વારા અગાઉ જે તેમના ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે તે પાયા વિહોણો અને તદ્દન ખોટો છે. તેમના દ્વારા આવાસ યોજનાના લાભાર્થી પાસેથી કોઈપણ પ્રકારના પૈસા લેવામાં આવ્યા નથી. ઉપરાંત અગાઉ કરવામાં આવેલી અરજીમાં પુરાવા હોય તો તે અંગે ખુલાસો કરવા રજૂઆત કરવામાં આવી હતી.
હેરાન કરવા ખોટી અરજીઓ કરાઈ: બોપી ગામમાં યોજાયેલી સરપંચની ચૂંટણીમાં મહિલા સરપંચ રૂમાબેન જાદવ વિજેતા થયા બાદ હારી ગયેલા માજી સરપંચ દ્વારા યાન કેન પ્રકારે સરપંચને પરેશાન કરવા તેમજ વિકાસના કામોમાં અડચણરૂપ બનવા માટે ખોટી અરજીઓ કરવામાં આવતી હોવાની લેખિત ફરિયાદ બોપી ગામના મહિલા સરપંચ રૂમાબેન દ્વારા આજે ટીડીઓને કરવામાં આવી છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે, તેમના પતિદેવ પર કરવામાં આવેલા આવાસ યોજનાના લાભાર્થી પાસે પૈસા લેવાના આક્ષેપ તદ્દન ખોટા છે અને પાયા વિહોણા છે.
ફરિયાદ અંગે શું કહે છે ટીડીઓએ અધિકારી: આ વિવાદ અંગે તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું કે, "બંનેની ફરિયાદ બાબતે આગામી દિવસોમાં તપાસ કરવામાં આવશે. તે બાદ જો દોષિત જણાય તો કાર્યવાહી કરાશે. આમ ચૂંટણી સમયે ચાલી આવેલી જૂની અદાવતને લઈને માજી સરપંચ અને સરપંચના પતિ સામસામે આક્ષેપ બાજી સાથે ફરિયાદો નોંધાવી છે ત્યારે હવે હકીકતમાં લાભાર્થીઓ પાસે કોણે નાણાં ઉઘરાવ્યા અને કોણ દોષિત છે એ બાબતે તપાસ થાય તે જરૂરી છે. બાકી હાલ માજી સરપંચ અને સરપંચના પતિ બંને દ્વારા સામસામે લેખિત ફરિયાદ ટીડીઓને કરવામાં આવી છે."
આ પણ વાંચો: