વલસાડ: નેશનલ હાઇવે નંબર 48 આજકાલ અકસ્માતનો ઝોન બનતો જાય છે. ત્યારે વલસાડમાં રહેતા અને પારડી પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પોલીસકર્મી મહેશ ગીતે પોતાની ફરજ ઉપર જઇ રહ્યા હતા. ત્યારે હુન્ડાઈ શોરૂમ નજીક કન્ટેનર સાથે અકસ્માત સર્જાતા કોન્સ્ટેબલને ગંભીર ઇજાઓ પહોંચી હતી.ત્યારબાદ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અને તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું જેને લઈને પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.
અકસ્માત થતા 100 મીટર બાઈક ઘસડાઇ: પારડી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા અને વલસાડ મોગરાવાડી ખાતે રહેતા પોલીસ કોન્સ્ટેબલ મહેશ ગીતે પોતાની મોટરસાઇકલને લઈને પારડી ખાતે પોતાની ડ્યુટી પર આવી રહ્યા હતા. આ દરમિયાન નેશનલ હાઇવે નંબર 48 પર હુન્ડાઈ શોરૂમ પાસે એક કન્ટેનર નંબર GJ 05 CW 0037ના ચાલાકે મોટરસાઇકલને અડફેટે લેતા બાઇક સવાર આશરે 100 મીટર હાઇવે પર ઘસડાઇ જતા ટાયરમાં ફસાયેલ કોન્સ્ટેબલ ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ: વલસાડથી પારડી પોલીસ મથકે ફરજ ઉપર આવવા નીકળેલા કોન્સ્ટેબલનો અકસ્માત થતા એને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે બાદ તેને સારવાર માટે વલસાડની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન કોન્સ્ટેબલનું મોત નિપજતા પોલીસ બેડામાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ હોસ્પિટલ ખાતે ધસી આવ્યા હતા.
કોન્સ્ટેબલનો મિલનસાર સ્વભાવનો હતો: મહેશ ગીતે જે ખૂબ જ પ્રમાણિક અને મિલનવાર સ્વભાવનો હોવાનો તેમની સાથે કામ કરતા અન્ય પોલીસ કર્મીઓએ જણાવ્યું હતું. ગમખ્વાર અકસ્માતમાં કોન્સ્ટેબલના મોતની ખબર મળતા જ પોલીસ કર્મચારીઓમાં શોકની લાગણી જોવા મળી હતી. મૃતકના સાથી પોલીસ કર્મચારીઓને જાણ થતા તેઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા.
પોલીસ મોડેથી ઘટના સ્થળે પહોંચી: અકસ્માત થયો હોવાની જાણકારી મળતા જ ટ્રાફિકજામની સમસ્યા હાઈવે ઉપર જોવા મળી હતી. એટલું જ નહીં સમગ્ર ઘટના અંગેની જાણ થતા પોલીસ પણ મોડેથી ઘટના-સ્થળે પહોંચતા હાઇવે ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. મોટાભાગની વાહનો લાંબી કતારોમાં ઊભેલા જોવા મળ્યા હતા. હાલ આ ઘટના બનતા પોલીસ સ્થળ ઉપર પહોંચીને બંને વાહનોને સાઈડ ઉપર ખસેડ્યા છે અને ત્યારબાદ પોલીસ ફરિયાદ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.