જુનાગઢઃ હોળીના દિવસે જૂનાગઢ શહેરમાં છેલ્લાં ૫૦ વર્ષ કરતાં પણ વધુ સમયથી અનિષ્ટ અને વ્યસનના પ્રતિક તરીકે વાલમ બાપાની નનામી કાઢીને હોળીનો આ તહેવાર વ્યસન મુક્તિ સાથે અનિષ્ટોથી દૂર રહેવાય તેવા સંદેશા સાથે અંબાઈ ફળિયાના નાગર ગ્રહસ્થો દ્વારા વાલમ બાપાની નનામી કાઢીને હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમ પૂર્વક મનાવવામાં આવે છે. છેલ્લાં 50 વર્ષ કરતાં પણ વધુ સમયથી ચાલતી આવતી વાલમ બાપાની નનામીની આ પરંપરા આજે આધુનિક સમયમાં યુવાનો પણ ખૂબ જ હોશભેર ભાગ લઈને રંગોનું પર્વ હોળી ને વ્યસન અને અનિષ્ટોથી પણ દૂર રાખે તેવા સંદેશા સાથે મનાવે છે.
મોટી સંખ્યામાં જોડાઈ છે યુવાનોઃ ગુજરાતમાં એકમાત્ર જુનાગઢ શહેરમાં હોળીના દિવસે વાલમ બાપાની નનામી કાઢવાની જે પરંપરા છે તેમાં દર વર્ષે નવ યુવાનો ખાસ જોડાઈ છે. સવારથી જ લોકો વાલમ બાપાની નનામીને શણગારવાના કામમાં વ્યસ્ત બની જાય છે. જેમાં તમાકુ, દારૂ અને અન્ય વ્યસનના પ્રતિક રૂપે વાલમ બાપાને દર્શાવવામાં આવે છે બપોરના સમયે તેની નનામી શરૂ થાય છે. ઢોલ-નગારા અને હોળીના ઉત્સાહમાં યુવકો વાલમ બાપાને પોક મૂકીને ઉજવે છે. સામાન્ય રીતે મોતનો પ્રસંગ દુઃખદ માનવામાં આવે છે પરંતુ વ્યસન અને અનિષ્ટોના પ્રતિક એવા વાલમ બાપાની નનામીનો આ પ્રસંગ યુવાનો ખૂબ જ ઉત્સાહ અને રમુજ સાથે ઉજવણી કરે છે. જેમાં લોકો હોળીને લઈને રશિયા પણ ગાતા હોય છે જેમાં આ વિસ્તારની મહિલાઓ પણ સામેલ થઈને વ્યસનના પ્રતિક વાલમ બાપાને વિદાય આપે છે.
બહારગામ થી પણ જોવા આવે છે લોકોઃ જૂનાગઢના અંબાઇ ફળિયામાં હોળીના દિવસે વાલમ બાપાની નનામી કાઢવામાં આવે છે, તેને જોવા માટે સમગ્ર જૂનાગઢની સાથે બહારગામ થી પણ લોકો ખૂબ જ ઉત્સાહ અને કુતુહલ સાથે આવતા હોય છે. સામાન્ય રીતે મોતનો પ્રસંગ ઉત્સાહ અને હસી મજાકમાં એક માત્ર અંબાઇ ફળિયામાં મનાવવામાં આવે છે. ત્યારે તેને જોવા અને ખાસ કરીને વ્યસનના પ્રતિક એવા વાલમ બાપાની નનામીમાં સામેલ થવાનું સદભાગ્ય સૌ કોઈ પ્રાપ્ત કરવા માંગે છે. જેથી હોળીના દિવસે અંબાઈ ફળિયા વિસ્તારમાં રહેતા સ્થાનિકોના પરિવારજનો કે જેઓ જૂનાગઢની બહાર રહે છે, તે લોકો પણ ખાસ વાલમ બાપાની નનામી જોવા માટે હોળીના દિવસે અચૂક જૂનાગઢ આવે છે.